ઓલા S1 પ્રો સ્કૂટરના માલિકે પોતાનું સ્કૂટર સળગાવ્યું, કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે

નવી દિલ્હી, 19 ઓગસ્ટ 2025: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર (Ola Electric Scooter) સાથે જોડાયેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાત મહિના સુધી સર્વિસ સેન્ટરના ધક્કા ખાધા બાદ નારાજ માલિકે પોતાનું ઓલા S1 પ્રો સ્કૂટરને આગ લગાવી દીધું. ચાલો, આ આખો મામલો વિગતે જાણીએ.
શું છે મામલો?
માલિકે લગભગ એક વર્ષ પહેલાં ઓલા S1 પ્રો સ્કૂટર ખરીદ્યું હતું. પાંચ મહિના બાદ તેની બેટરી ડિસ્ચાર્જ થવાની સમસ્યા સામે આવી. પરંતુ કંપનીની નીતિ અનુસાર, “બેટરી ડિસ્ચાર્જ પર વોરંટી નથી.” આથી કંપનીએ બેટરી બદલવા માટે 30,000 રૂપિયાનો ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. ગ્રાહકે મજબૂરીમાં આ સ્વીકાર્યું અને સાત મહિનાથી નવી બેટરીની રાહ જોતો હતો.
વાયરલ વીડિયોમાં શું દેખાયું?
રિપોર્ટ્સ અનુસાર, નારાજ ગ્રાહક પોતાનું સ્કૂટર ઓલા સર્વિસ સેન્ટરમાંથી બહાર ખેંચી લાવે છે, તેના પર પેટ્રોલ રેડે છે અને આગ લગાવી દે છે. સર્વિસ સ્ટાફ આગ બુઝાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં સ્કૂટર બળીને ખાખ થઈ ચૂક્યું હોય છે.
ગ્રાહકની ફરિયાદો
ગ્રાહકનું કહેવું છે કે તેણે અનેક વખત મેનેજરને ફોન કર્યો, પરંતુ હંમેશા એક જ જવાબ મળતો, “કાલે આવજે.” તેની નારાજગીનું મુખ્ય કારણ માત્ર તેનું સ્કૂટર નહોતું, પરંતુ સર્વિસ સેન્ટરની બહાર લાંબા સમયથી પડેલાં અન્ય ઘણાં સ્કૂટરો પણ હતાં, જેને રિપેર નહોતા કરવામાં આવ્યાં. તેમણે સર્વિસ સેન્ટર પર અન્ય વાહનોના પાર્ટ્સ શેર કરવાની પ્રથા પર પણ ફરિયાદ કરી.
શું આ પહેલો કિસ્સો છે?
આવું પહેલી વખત નથી થયું કે ઓલા ઇલેક્ટ્રિકના ગ્રાહકોની નારાજગી સામે આવી હોય. આ પહેલાં પણ એક ગ્રાહકે ખરાબ સર્વિસથી કંટાળીને ઓલાના નવા ઇ-સ્કૂટરના શોરૂમમાં આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત, કંપની પર ઘણી વખત ખરાબ સર્વિસ અને ગ્રાહકોની ફરિયાદોને અવગણવાના આરોપો લાગ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતનું હેરિટેજ સિટી અમદાવાદ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની કરશે, જાણો વિગત











