ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ઓડિશા/ દુદમા ઝરણામાં 22 વર્ષનો યૂટયૂબર વહી ગયો, પાંચ દિવસથી ગુમ; કેમેરામાં નજારો કેદ થયો

ઓડિશા, 27 ઓગસ્ટ 2025 : ઓડિશાના બ્રહ્મપુર શહેરનો રહેવાસી 22 વર્ષનો એક યુટ્યુબર રીલ બનાવતી વખતે કોરાપુટ જિલ્લાના દુદુમા ઝરણાના ઝડપી પ્રવાહમાં વહી જતાં પાંચ દિવસથી ગુમ છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આપદા વ્યવસ્થાપન અને અગ્નિશમન કર્મચારીઓની ટીમ શોધખોળ અભિયાનમાં જોડાઈ છે, પરંતુ યુટ્યુબરનો હજુ સુધી પતો લાગ્યો નથી.

23 ઓગસ્ટે ઝરણા પર રીલ બનાવવા ગયો હતો યુટ્યુબર

પોલીસના જણાવ્યા અનુસાર, સાગર કુંડુ નામનો યુટ્યુબર 23 ઓગસ્ટે પોતાના મિત્રો સાથે દુદુમા ઝરણા પર રીલ બનાવવા ગયો હતો. પાણીનું સ્તર વધી રહ્યું હોવાની તેના મિત્રોની વારંવાર ચેતવણી હોવા છતાં, કુંડુ ઝરણામાં ઉતરી ગયો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોનો હવાલો આપતાં પોલીસે જણાવ્યું, “મચકુંડ બાંધમાંથી પાણી છોડવામાં આવતાં અચાનક પાણીનો પ્રવાહ ઝડપી થઈ ગયો. કુંડુ ઝડપી પ્રવાહમાં વહી ગયો અને ઘટનાસ્થળે હાજર લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.”

યુટ્યુબરના મિત્ર અભિજીત બેહેરાએ કહ્યું, “કુંડુ હાથ જોડીને મને બચાવવાની વિનંતી કરી રહ્યો હતો. તેણે કેમેરા અને અન્ય સાધનો ફેંકી દીધા, પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં.” સાગરના પિતા સાર્થક કુંડુએ સ્થાનિક પ્રશાસનને તેમના પુત્રનો પતો લગાવવા વિનંતી કરી.

યુટ્યુબરની બેગ મળી આવી

મચકુંડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર (IIC) મધુસૂદન ભોઈએ જણાવ્યું કે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) અને લામતાપુટ અગ્નિશમન સેવાના કર્મચારીઓની ટીમે શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. ભોઈએ કહ્યું, “અમે અત્યાર સુધી બેટરી અને અન્ય સાધનોથી ભરેલી એક બેગ મેળવી છે, જે યુટ્યુબરે બહી જતાં પહેલાં પાણીમાં ફેંકી દીધી હતી. ખરબચડી અને પથરાળ ભૂપ્રદેશ અને સતત વરસાદને કારણે પહાડી વિસ્તારમાં બચાવ અભિયાન પડકારજનક રહ્યું છે.”

ઓડિશાના સૌથી ઊંચા ઝરણાઓમાંથી એક છે દુદુમા

અગ્નિશમન અધિકારી ઉમેશ ચંદ્ર બાગે જણાવ્યું, “અમે મચકુંડ બાંધના અધિકારીઓને જલાશયના દરવાજા બંધ કરવાની વિનંતી કરી છે. પાણીનું સ્તર ઘટે તો અમને શોધખોળ અભિયાનમાં મદદ મળશે.” દુદુમા ઓડિશાના સૌથી ઊંચા ઝરણાઓમાંથી એક છે અને ઓડિશા-આંધ્ર પ્રદેશ સરહદ નજીક આવેલું લોકપ્રિય પર્યટન સ્થળ છે.

આ પણ વાંચો : AIને ટક્કર આપનારા બાળકો બનાવવાની તૈયારી, જન્મ પહેલાં જ ખબર પડશે IQ; અમેરિકામાં તૈયાર થઈ રહી છે ટેક્નોલોજી

Back to top button