એરફોર્સના નિવૃત્ત વિંગ કમાન્ડરની પત્નીએ મલ્ટીલેવલ પાર્કિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

નોઇડા: ઉત્તર પ્રદેશના નોઇડામાં શનિવારે સાંજે એક દુઃખદ ઘટના સામે આવી છે. સેક્ટર-18 સ્થિત મલ્ટીલેવલ કાર પાર્કિંગમાંથી એક મહિલાએ કૂદીને જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મહિલાને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતકની ઓળખ સીતુ તલવાર તરીકે થઈ છે, જે નોઇડાના સેક્ટર-20માં રહેતી હતી. તેમના પતિ મોહિત તલવાર ભારતીય વાયુસેનાના નિવૃત્ત વિંગ કમાન્ડર હોવાનું પોલીસે જણાવ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ સીતુ તલવાર ઈ-રિક્ષામાં સવાર થઈ સેક્ટર-18ના મલ્ટીલેવલ કાર પાર્કિંગ સુધી પહોંચી હતી. ત્યારબાદ તેઓ પાર્કિંગની બીજી માળે ગયા, જ્યાં થોડો સમય રોકાયા બાદ તેમણે ઉપરથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ ડાયલ-112 મારફતે પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મહિલાને સેક્ટર-27ની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પરિવારને ઘટનાની જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સીતુ તલવાર છેલ્લા લગભગ 20 વર્ષથી ડિપ્રેશનની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. હાલ પરિવાર તરફથી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.












