ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી: ઘાયલ દોસ્તને પહેલા ઘરે લાવ્યા, મોત થયું તો રુમ બંધ કરીને ભાગી ગયા

રાજધાની દિલ્હીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બે મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા ને અચાનક પડી ગયા, જેમાંથી એક મિત્ર ઘાયલ થઈ ગયો. લોહીથી લથપથ મિત્રને ઘાયલ જોઈ તેનો મિત્ર તેને તેના જ રુમમાં લઈ ગયો, જ્યાં પહેલેથી જ અન્ય એક મિત્ર પણ હતો. આ ત્રણેય મિત્રો હતા. બીજા દિવસે જ્યારે તેઓ જાગ્યા, ત્યારે જોયું કે તેમનો ઘાયલ મિત્ર ઉઠી રહ્યો નથી. તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. બંને મિત્રો ગભરાઈ ગયા અને રૂમને તાળું મારીને ભાગી ગયા.

મૃતદેહ ત્રણ દિવસ સુધી રૂમમાં પડ્યો રહ્યો

આટલુ જ નહીં, ડરના કારણે તેઓએ ઘટના વિશે કોઈને કહ્યું પણ નહીં. મૃતકનો મૃતદેહ ત્રણ દિવસ સુધી રૂમમાં પડ્યો રહ્યો. તેના પરિવારના સભ્યો તેને સતત ફોન કરી રહ્યા હતા. ત્રણ દિવસ પછી, જ્યારે તેઓ તેના રૂમમાં પહોંચ્યા, ત્યારે તે મૃત હાલતમાં મળ્યો. ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી. જ્યારે પોલીસે નજીકના સીસીટીવી કેમેરા તપાસ્યા, ત્યારે તેમને મૃતકના બે મિત્રો જોવા મળ્યા.

શું છે મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર, નોઈડામાં એક યુવક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો, લોહીથી લથપથ ફૈઝ ઉર્ફે સાહિલને તેનો મિત્ર સચિન તેની પીઠ પર કપડું બાંધીને તેને તેના જ રૂમમાં લઈ ગયો. અલીમ નામનો એક યુવાન પહેલેથી જ રૂમમાં સૂતો હતો. તે પણ ફૈઝનો મિત્ર હતો. ત્યારબાદ ત્રણેય મિત્રો સુઈ ગયા. જ્યારે સચિન અને અલીમ સવારે ઉઠ્યા, ત્યારે તેઓએ ફૈઝને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગ્યો નહીં. તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. ત્યારબાદ સચિન અને અલીમ ડરી ગયા અને ફૈઝને એ જ હાલતમાં છોડીને ભાગી ગયા.

પોલીસે જણાવ્યું કે 6 ડિસેમ્બરના રોજ, પાંડવ નગર પોલીસ સ્ટેશનને એક PCR કોલ મળ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતુ કે પીર વાલી ગલીમાં ઘર નંબર 52 માં રહેતો એક છોકરો ત્રણ દિવસથી ફોન ઉપાડી રહ્યો નથી. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તેમને તે મૃત હાલતમાં મળ્યો અને તેના માથામાં ઈજાઓ થઈ હતી.

CCTV ફૂટેજ સામે આવ્યા

કેસ નોંધ્યા પછી, પોલીસે તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ અને સીડીઆર વિગતો મેળવવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે ફૈઝે છેલ્લે 2 ડિસેમ્બરે સચિન અને અલીમ સાથે વાત કરી હતી. ત્યારબાદ પોલીસે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા.

ત્રણેયે સાથે દારૂ પીધો હતો

સચિને પોલીસને જણાવ્યું, “અમે ત્રણેયે સાથે દારૂ પીધો હતો. અલીમ સૂઈ ગયો. હું ફૈઝ સાથે બાઇક પર સિગારેટ લેવા ગયો હતો. જોકે, સેક્ટર 16માં સ્પીડ બ્રેકરને કારણે ફૈઝ બાઇક પરથી પડી ગયો. તેના નાક, પગ અને માથામાં ઇજા થઈ. હું તેને મારા પિતરાઈ ભાઈના ઘરે લઈ ગયો, પરંતુ તેણે મદદ કરવાનો ઇનકાર કર્યો. પછી હું ફૈઝને તેના જ રૂમમાં પાછો લઈ ગયો.”

ચહેરા પર પાણી નાખ્યું પણ તે જાગ્યો નહીં

સચિને પોલીસને જણાવ્યું, “બીજા દિવસે સવારે, હું અને આલીમ સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે જાગી ગયા. અમે ફૈઝને પણ જગાડવાનો પ્રયાસ કર્યો. અમે તેના ચહેરા પર પાણી પણ નાખ્યું. પરંતુ તે કોઈ જવાબ આપી રહ્યો ન હતો. અમને લાગ્યું કે તે મરી ગયો છે. તેથી અમે ડરી ગયા અને અમે ભાગી ગયા. અમે કોઈને કઈ કહ્યું પણ નહીં.”

આ પણ વાંચો: Tamil Nadu: 3 વર્ષના બાળકને ખોળામાં રાખી માતાએ તળાવમાં પડતું મુક્યું, 2017 માં થયા હતા પ્રેમ લગ્ન

Back to top button