છોટાઉદેપુરમાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે ગ્રામજનોનો તંત્ર સામે ઉગ્ર વિરોધ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

No Road No Vote: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓના અભાવે ખાસ કરીને પાકા રસ્તાની માંગને લઈને અંદાજે 250 મતદારોએ “રોડ નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે ખાનગી બિલ્ડરો દ્વારા મકાનોના નિર્માણ વખતે ગામનો મુખ્ય માર્ગ અવરોધાઈ ગયો છે. તેના કારણે વિસ્તારના લોકોને ઘરે પહોંચવા માટે લાંબો ચક્કર મારવો પડે છે. હજુ સુધી આ વિસ્તારમાં પાકા રસ્તા બનાવવામાં આવ્યા નથી. કાચા રસ્તાઓને કારણે ચોમાસા દરમિયાન કાદવ-પાણીમાં ફસાઈ જવાની સ્થિતિ ઊભી થાય છે. દરરોજની અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ કટોકટીની સ્થિતિમાં એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો પણ પહોંચી શકતા નથી.
ગ્રામજનોએ છેલ્લા લાંબા સમયથી તંત્ર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી. આ સ્થિતિમાં તેઓએ હવે વિકાસની માંગને ચૂંટણીના મંચ પર લઈ આવ્યા છે. ગામમાં “રોડ નહીં તો વોટ નહીં”ના બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી રસ્તાનું કામ શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને ગામમાં પ્રવેશ નહીં આપવામાં આવે.
આ ઘટના માત્ર તણખલા ગામ સુધી મર્યાદિત નથી. જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામના ચાર ફળીયામાં પણ રસ્તા અને પુલના અભાવે સમાન વિરોધ જોવા મળ્યો છે. ત્યાં વન વિભાગની મંજૂરી ન મળવાને કારણે મંજૂર થયેલા રસ્તાનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે. આવા અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવે મતદારોમાં અસંતોષ વધી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા માટે તંત્ર અને રાજકીય પક્ષો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવા વિરોધો તંત્ર માટે મોટો પડકાર બની રહ્યા છે. હવે જોવાનું રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ ગ્રામજનોની માંગણીઓને કેટલી ઝડપથી પહોંચી વળે છે અને મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે કેટલી હદે સમજાવી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ, 25 એપ્રિલથી 1 મે સુધી મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી રહેવાની આગાહી












