નિશાંત બનશે બિહારના ઉપમુખમંત્રી, MLC પણ બનાવશે JDU; નીતિશના નજીકના ધારાસભ્યનો દાવો

બિહારમાં નિશાંત કુમારને લઈને રાજકીય હલચલ તેજ બની રહી છે. દરમિયાન, જનતા દળ (યુનાઈટેડ)ના ધારાસભ્ય હરિનારાયણ સિંહે શનિવારે દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામા બાદ રાજ્યમાં રચાનારી નવી સરકારમાં પાર્ટીના વડાના પુત્ર નિશાંત કુમાર ને ઉપમુખમંત્રી બનાવવાનો “સર્વસંમતિથી” નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નજીકના ગણાતા અને નાલંદા જિલ્લાના હરનૌતના ધારાસભ્ય હરિનારાયણ સિંહે વધુમાં કહ્યું કે નિશાંત આગામી મહિને રાજ્ય વિધાન પરિષદમાં ચૂંટાઈ શકે છે.
JD(U) ના ધારાસભ્ય હરિનારાયણ સિંહે જણાવ્યું હતું કે, “એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે નિશાંત ઔપચારિક રીતે JD(U)માં જોડાશે. બંધારણીય પદ સંભાળવા માટે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું જરૂરી હોય છે, તેથી તેઓ એપ્રિલમાં નવ બેઠકો માટે થનારી દ્વિવાર્ષિક ચૂંટણીમાં વિધાન પરિષદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે, તેઓ તેમના પિતાના રાજીનામાથી ખાલી થયેલી બેઠક પરથી જ ચૂંટણી લડશે એવું જરૂરી નથી.”
એક પ્રશ્નના જવાબમાં હરિનારાયણ સિંહે જણાવ્યું કે, “હજુ સ્પષ્ટ નથી કે નિશાંત નવી સરકારની રચના થતાં જ ઉપમુખમંત્રી બનશે કે થોડા સમય પછી. આ નિર્ણય યોગ્ય સમયે ટોચના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. JD(U) બે ઉપમુખમંત્રીઓ રાખવાનો આગ્રહ કરશે એવી અટકળો પર હું ટિપ્પણી કરી શકતો નથી. ગઈકાલે થયેલી બેઠકમાં ફક્ત નિશાંતને ઉપમુખમંત્રી બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.”
મુખ્યમંત્રી પદ ભાજપને જવાની અટકળો
નિશાંતનો રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય તેમના પિતા નીતિશ કુમારના રાજીનામાના નિર્ણયના થોડા દિવસો પછી આવ્યો છે. “વંશીય રાજકારણના કટ્ટર ટીકાકાર” તરીકે ઓળખાતા નીતિશ કુમારે સતત પાંચમી વખત શપથ લીધાના ચાર મહિનાથી પણ ઓછા સમયમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે બિહારમાં શાસક NDAમાં સૌથી મોટી પાર્ટી BJPને મુખ્યમંત્રી પદ મળી શકે છે. તેવી સ્થિતિમાં JD(U) ગૃહ મંત્રાલય જેવા મહત્વપૂર્ણ વિભાગ સાથે બે ઉપમુખમંત્રી પદોની માંગ કરી શકે છે, જે હાલની વ્યવસ્થાને સંપૂર્ણપણે બદલી શકે છે.
હાલમાં બિહારમાં બે ઉપમુખમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા બંને ભાજપના છે, જ્યારે સમ્રાટ ચૌધરી પાસે ગૃહ મંત્રાલયનો કારભાર છે.
આ પણ વાંચો: બેંગલુરુ/ બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને થપ્પડ મારવો ભારે પડ્યો, શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ












