ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશની સહાયના નાણા મેળવી જમાઈએ બીજા લગ્ન કર્યા, રિદ્ધિની માતાની વ્યથા

Ahmedabad Plane crash: એક વર્ષ પહેલા થયેલી અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પટેલ પરિવારની લાડલીને છીનવી લીધી છે. આ દુર્ઘટનામાં પડસાલા પરિવારની દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એક વર્ષ બાદ પણ દિકરીને યાદ કરીને માતા રડી પડે છે. રડતા રડતા તે કહે છે સરકાર બ્લેકબોક્સનો ડેટા જાહેર કરી એ જણાવે કે આ વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ? અમારે કોઈ સહાય જોઈતી નથી, પરંતુ દુર્ઘટનાનું કારણ જોઈએ છે અને આવું ફરીવાર કોઈ બીજા સાથે ન બને તેવી અમારી ઈચ્છા છે.

ગીતાબેન પડસાલા એ દિવસે પોતાની પુત્રીને લંડન રવાના કરવા માટે પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા. દીકરી રિધ્ધિ એરપોર્ટમાં ગયા બાદ પરિવાર પોતાની કાર લઇ પરત આવવા નીકળ્યો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયા બાદ પરિવાર રસ્તામાં હતો ત્યાં જ દુર્ઘટનાના સમાચાર મળ્યા હતા. આ વસ્તુની કલ્પના કરવી મુશ્કેલ છે કે પરિવારને માથે કેવી રીતે આકાશ તૂટી પડ્યું હશે. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. પાંચ દિવસની લાંબી રાહ બાદ ડીએનએ ટેસ્ટ પછી તેમણે પુત્રીના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ મૃતદેહને અમરેલી લાવી સમાજના લોકોની ઉપસ્થિતિમાં તેની અંતિમ વિધિ કરાઈ હતી.

માતા ગીતાબહેન આ દર્દને હજુ ભૂલી શક્યા નથી. તેઓ કહે છે પુત્રીના મોત બાદ મળતી તમામ સહાય જમાઈને મળી હતી. જમાઈએ છ મહિનામાં જ બીજા લગ્ન કરી લીધા છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. અમારું તો બધું જ લૂંટાઈ ગયું છે. મારી દીકરી અમારા ઘરની રોનક હતી જે અમારા ઘરમાં અંધારું કરતી ગઈ.

રિદ્ધિ પડસાલાએ મૂળ રાજકોટના યુવાન સાથે લગ્ન કર્યા હતા જે લંડનમાં સ્થાયી થયો હતો. ગત મેં મહિનામાં તે પરિવારને મળવા આવી હતી અને 12 જૂનના રોજ પરત લંડન જવા નીકળી હતી, પરંતુ દુર્ઘટનામાં તેનું મોત થયું હતું.

હું પ્લેનમાં સૂઈ જઈશ કહીને દિકરી કાયમ માટે સૂઈ ગઈ‎

ગીતાબેન પડસાલા કહે છે એરપોર્ટ પર સામાન ચેક કરીને પુત્રી અંદર ગઈ ત્યારે તેણે અમને કહ્યું કે તમે બધા આખી રાત જાગ્યા છો ઘરે જઈને સૂઈ જાઓ. હું પણ પ્લેનમાં સૂઈ જઈશ અને લંડન પહોંચીને તમને ફોન કરીશ. જો કે પુત્રીનો ફોન આવવાને બદલે તેના અકસ્માતનો ફોન આવ્યો હતો. ફ્લાઈટમાં સૂવાની વાત કરતી દિકરી કાયમ માટે સૂઈ જશે એ કોને ખબર હતી.

આ દુર્ઘટનામાં અમરેલી જિલ્લાના કુલ છ લોકોના મોત થયા હતા. રિદ્ધિ પડશાલા ઉપરાંત અમરેલીના એક દંપતીનું પણ મોત થયું હતું. વડીયામાં પત્નીની અંતિમવિધિ માટે આવેલો યુવાન લંડન પરત ફરતો હતો ત્યારે તે પણ કાળનો કોળિયો બની ગયો હતો.

અમને 5 દિવસે મૃતદેહ મળ્યો હતો

અમે જ્યારે હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ચારે તરફ રોકકળ ચાલી રહી હતી. અમને હતું કે ઈજા થઈ હશે પરંતુ ખબર પડી કે કોઈ બચ્યું નથી. કોઈના મૃતદેહ પણ ઓળખાય તેમ ન હતા. ડીએનએ ટેસ્ટ બાદ પાંચ દિવસે અમને મૃતદેહ સોપાયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ: ઘટનાસ્થળે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, પરિજનો ભાવુક થયા
Back to top button