ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

News: ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે શું લીધો મોટો નિર્ણય?

ગાંધીનગર, તા. 8 ઓક્ટોબર, 2025: ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (વિશ્વકર્મા) હવે તેમની નવી ટીમની રચના પહેલાં રાજ્યનો પ્રવાસ ખેડશે. આગામી 8 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને સંગઠનની સ્થિતિ અંગે ચર્ચા કરશે.

પ્રદેશ ભાજપ-પ્રમુખ જગદીશ પંચાલ તેમની ગુજરાત પ્રવાસની શરૂઆત 10મી ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી મંદિરે દર્શન કરીને કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ બન્યા બાદ વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રવાસ કરીને સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાની પરંપરા છે.

પંચાલ 10 થી 17 ઓક્ટોબર સુધીના પ્રવાસ દરમિયાન શહેર-જિલ્લાના પ્રમુખો તેમજ અન્ય હોદ્દેદારો સાથે બેઠક કરશે. તેઓ જિલ્લા અને શહેરોમાં સંગઠનની વર્તમાન પરિસ્થિતિ અને આંતરિક બાબતોની માહિતી મેળવશે. આ પ્રવાસમાં જૂના અને નવા એમ તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મુલાકાત કરાશે.

પ્રદેશ પ્રમુખના આ પ્રવાસને જોતાં, ભાજપના નવા સંગઠનની જાહેરાત હવે દિવાળીના તહેવાર બાદ જ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. નવા પ્રદેશ પ્રમુખના પ્રવાસની જવાબદારી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ, ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે.

1973માં જન્મેલા જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં નિકોલના ધારાસભ્ય છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે. હાલમાં તેઓ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેમણે એક બૂથ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ધીમે ધીમે મહત્ત્વના હોદ્દા મેળવતા રહ્યા છે. 1998માં તેઓ અમદાવાદના ઠક્કરબાપાનગરમાં બૂથ પ્રભારી બન્યા હતા. ત્યાર પછી 2013માં ભાજપમાં ગુજરાત ઉદ્યોગ સેલના સંયોજક બન્યા હતા. તેઓ અમદાવાદ ભાજપના પ્રમુખ પણ હતા.

વર્ષ 2012માં તેઓ પહેલી વખત નિકોલની બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં તેઓ ફરીથી આ બેઠક પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રાજ્યકક્ષાના મંત્રી છે. તેમની પાસે સહકાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ, નમક ઉદ્યોગ જેવા વિભાગો છે. આ ઉપરાંત તેઓ મુદ્રણ અને સ્ટેશનરીનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેઓ ઉદ્યોગ, માર્ગ અને મકાન તથા વન અને પર્યાવરણ મંત્રાલયના સહાયકમંત્રીપદે પણ છે.

અગાઉ સપ્ટેમ્બર 2021થી ડિસેમ્બર 2022 દરમિયાન જગદીશ વિશ્વકર્માએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે જે ઍફિડેવિટ ફાઇલ કરી હતી તે પ્રમાણે તેમની સામે કોઈ એફઆઈઆર કે કોર્ટ કેસ નથી. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એસવાયબીએ સુધી અભ્યાસ કર્યો છે.

Back to top button