LPG સંકટ પછી નવી મુશ્કેલી: આ દવાઓની અછત વર્તાશે? માત્ર 10 દિવસનો સ્ટોક બચ્યો!

LPG crisis : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે માત્ર તેલ અને ગેસના સંકટને જ નહીં, પરંતુ દવાઓ જેવી અનિવાર્ય વસ્તુઓ પર પણ અસર કરવા માંડી છે. ગેસ સપ્લાય અસરગ્રસ્ત થવાથી ભારતમાં પેરાસીટામોલ, વિટામિન, હોર્મોન્સ અને અન્ય મહત્વની દવાઓના ઉત્પાદનમાં અડચણ આવી ગઈ છે. જો ગેસની સમસ્યા તાત્કાલિક ઉકેલાઈ નહીં તો અનેક ફાર્મા કંપનીઓને આગામી 10 દિવસમાં પોતાનું ઉત્પાદન બંધ કરવું પડી શકે છે.
ડ્રગ ટ્રેડર્સ એસોસિએશનની ચેતવણી
ડ્રગ ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, કાચા માલની સપ્લાય બંધ થવા, શિપિંગ ખર્ચ વધવા અને પેકેજિંગની સમસ્યાને કારણે દવાઓના ભાવમાં 10થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. યુદ્ધને કારણે તાવ, ડાયબિટીસ, ચેપ અને શ્વાસની સમસ્યામાં વપરાતી દવાઓની કિલ્લત થવાની શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગેસ સંકટે વધારી મુશ્કેલી
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધું છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. ગેસના આયાત-નિકાસ પર અસર પડી છે. આ ગેસ સંકટ હવે દવાઓના ઉત્પાદનને પણ અસર કરી રહ્યું છે. દવાઓના ઉત્પાદનમાં પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે, જે બોઈલરમાં ઈંધણ તરીકે કામ કરે છે. યુદ્ધને કારણે LNG આયાત અટવાઈ ગઈ છે. ગુજરાત, તેલંગાણા અને આંધ્ર પ્રદેશની અનેક કંપનીઓ પાસે હાલમાં માત્ર 10 દિવસનો સ્ટોક બચ્યો છે. જો સંકટ લાંબો ચાલ્યો તો મુશ્કેલી વધુ વધી જશે.
કઈ દવાઓ પર અસર?
ગેસની અછતને કારણે પેરાસીટામોલ, મેટફોર્મિન, મેટ્રોનિડાઝોલ, ડાઈક્લોફેનેક, ફોલિક એસિડ અને વિટામિન-C જેવી મહત્વની દવાઓનું ઉત્પાદન અટકી ગયું છે. ફાર્માએક્સિલના પૂર્વ અધ્યક્ષ દિનેશ દુઆના જણાવ્યા અનુસાર 200થી વધુ દવા ઉત્પાદકો પાસે હવે સ્ટોક બચ્યો નથી અને તેઓ આગામી 7થી 10 દિવસમાં પોતાનું ઉત્પાદન બંધ કરી શકે છે.
ભારત વૈશ્વિક ફાર્મા સપ્લાય ચેઈનનું મોટું કેન્દ્ર છે અને જેનેરિક દવાઓમાં ભારતનો હિસ્સો 20% છે. અમેરિકા પણ ભારત પર સૌથી વધુ આધારિત છે. પરંતુ આ સેક્ટર આયાત પર આધારિત છે. ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધને કારણે કાચા માલની કિલ્લત સર્જાઈ છે, જેના કારણે ફાર્મા સેક્ટર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
ડેરી સેક્ટર પર પણ અસર
ગેસ સંકટની અસર દવાઓ ઉપરાંત ડેરી સેક્ટર પર પણ પડી રહી છે. પેકેજિંગની સમસ્યા વધી ગઈ છે. મહારાષ્ટ્રના ડેરી માલિકોનું કહેવું છે કે જો ગેસ સંકટ જલ્દી નહીં ઉકેલાય તો તેઓએ પણ ઉત્પાદન રોકવું પડી શકે છે.
મિડલ ઈસ્ટના યુદ્ધે ઊર્જા સંકટની સાથે હવે દવા અને ડેરી સેક્ટરને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકાર અને ઉદ્યોગ સંગઠનો આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો સંકટ લાંબો ચાલ્યો તો સામાન્ય નાગરિકોને દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ અને સિલિન્ડર મોંઘા થઈ શકે! ખાર્ગ આઈલેન્ડ પર હુમલાની ધમકી












