સિહોરમાં પાડોશીએ વાસણ ધોઈ રહેલા વૃધ્ધા પર કુહાડીના ઘા ઝીંક્યા, સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

ભાવનગર, 16 ફ્બ્રુઆરી 2026: ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલી રૂખડાવાળી શેરીમાં એક હૃદયદ્રાવક અને ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે. એક અસહાય અને દૃષ્ટિહીન 85 વર્ષીય વૃદ્ધ મહિલા, રામુબેન, પર કોઈ પણ કારણ વગર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બે દિવસની ગંભીર સારવાર બાદ હોસ્પિટલમાં તેમનું નિધન થતા આ સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં પરિવર્તિત થયો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, હીરાબેન (ઉં.વ. 80) સવારે ઘરની બહાર કચરો વાળીને પરત આવ્યા હતા અને આંગણામાં વાસણ ધોઈ રહ્યા હતા. આ સમયે પાડોશમાં રહેતો ભૂપત રામજી હરિયાણી નામનો શખ્સ હાથમાં કુહાડી લઈને કાળ બનીને ઘરમાં ઘૂસ્યો હતો. કશું જ સમજાય તે પહેલા ભૂપતે વૃદ્ધાના માથાના ભાગે કુહાડીના આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું. આ લોહિયાળ ખેલ જોઈ પાડોશમાં રહેતા કૃપાલભાઈ તાત્કાલિક માજીને બચાવવા દોડી ગયા હતા. જોકે, આવેશમાં આવેલા ભૂપતે કૃપાલભાઈ પર પણ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપી ભૂપત ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં હીરાબેનને પ્રથમ સિહોર અને ત્યારબાદ ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.
ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા ભૂપતને ઝડપી લીધો હતો. બીજી તરફ, નિર્દોષ વૃદ્ધાની હત્યાને લઈને સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ છે. પરિવારજનો અને સોસાયટીના રહીશોની માગ છે કે, આરોપીને કડકમાં કડક સજા થાય જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા ડરે.












