શું છે રાધાકૃષ્ણન સમિતિની ભલામણો, જેના કારણે NEETમાં નહીં થાય પેપર લીક?

NEET Paper Leak: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ, ખાસ કરીને NEET-UGમાં થતી ગડબડીઓ અને પેપર લીક જેવી ઘટનાઓને જડમૂળથી ખતમ કરવા માટે ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિએ પોતાની ક્રાંતિકારી ભલામણો રજૂ કરી છે. સમિતિનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષા પ્રણાલીને ઝીરો એરર (ભૂલ-મુક્ત) બનાવવાનો અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી જીતવાનો છે.
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે રદ કરવામાં આવેલી NEET-UG 2026ની પરીક્ષા હવે 21 જૂન 2026ના રોજ લેવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે પરીક્ષાની પ્રામાણિકતા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને તે માટે ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિની ભલામણોને કડકાઈથી અમલમાં મૂકવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થયો છે કે આખરે આ ભલામણોમાં એવું શું છે, જે NEETમાં થતી ગડબડીઓને રોકવામાં અને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક બનાવવામાં મદદરૂપ બની શકે છે. તો આવો સમજીએ શું છે આ ભલામણો
સમિતિની 5 સૌથી મોટી ભલામણો
પેન-પેપર મોડ બંધ, હાઈબ્રિડ મોડલની શરૂઆત
સમિતિએ સૂચન કર્યું છે કે આવી ગડબડીઓ અટકાવવા માટે પ્રશ્નપત્રોને ફિઝિકલ રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા બંધ કરવી જોઈએ. તેના બદલે કમ્પ્યુટર એડેડ પેન-પેપર ટેસ્ટ (CPPT) અથવા હાઈબ્રિડ મોડલ અપનાવવું જોઈએ. આ મોડલમાં પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલા જ ડિજિટલ રીતે કેન્દ્ર પર મોકલવામાં આવશે અને ત્યાં જ તેની પ્રિન્ટ કાઢવામાં આવશે. આથી રસ્તામાં પેપર લીક થવાની શક્યતા સંપૂર્ણ રીતે દૂર થઈ જશે.
ઘણા તબક્કામાં થઈ શકે NEET પરીક્ષા
JEE Main અને Advancedની જેમ NEET પરીક્ષા પણ બે તબક્કામાં લેવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેથી મોટી સંખ્યામાં ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી શકાય. ત્યારબાદ બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
સરકારી કેન્દ્રોને પ્રાથમિકતા
સમિતિએ ભલામણ કરી છે કે પરીક્ષાઓ મુખ્યત્વે કેન્દ્રીય વિદ્યાલય (KV) અને નવોદય વિદ્યાલય (JNV) જેવી સરકારી સંસ્થાઓમાં જ લેવામાં આવે. ખાનગી પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ રાખવી મુશ્કેલ બનતી હોવાથી, પરીક્ષા કેન્દ્ર તરીકે તેમનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવે.
ડિજી-પરીક્ષા અને બાયોમેટ્રિક સુરક્ષા
ડમી ઉમેદવારોને રોકવા માટે ડિજી-યાત્રાની જેમ ડિજી-પરીક્ષા સિસ્ટમ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં અરજી પ્રક્રિયાથી લઈને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ સુધી AI આધારિત ચહેરાની ઓળખ અને આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ડિજિટલ ટેક્નોલોજી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
NTAનું પુનર્ગઠન
સમિતિએ નોંધ્યું કે NTA હાલમાં બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ પર વધુ નિર્ભર છે. તેથી ભલામણ કરવામાં આવી છે કે NTAમાં કાયમી નિષ્ણાતોની ભરતી કરવામાં આવે. તે ઉપરાંત ટેસ્ટ ઓડિટ, નૈતિકતા અને ડેટા સુરક્ષા માટે અલગ-અલગ મજબૂત પેટા સમિતિઓ બનાવવામાં આવે, જેથી પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક અને વિશ્વસનીય બની શકે.
કેમ જરૂરી છે આ ફેરફારો?
નિષ્ણાતોનું માનવું છે કે હાલની પેન-પેપર પદ્ધતિમાં પેપર લીક થવાના ઘણા જોખમી તબક્કાઓ હોય છે, જેમ કે પ્રિન્ટિંગ પ્રેસ, ટ્રાન્સપોર્ટેશન અને બેંક લોકર. ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિના સૂચનોનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષા પ્રક્રિયામાં લોકો દ્વારા થતું સીધું કામ ઓછું કરીને વધુ કામગીરી ટેક્નોલોજી અને ડિજિટલ સિસ્ટમ દ્વારા કરાવવાનો છે. જેથી ગેરરીતિ, ભૂલ કે પેપર લીક જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવી શકાય. સમિતિનો હેતુ એવી મજબૂત અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા બનાવવાનો છે, જ્યાં કોઈપણ મહેનતી અને લાયક વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય.
રાધાકૃષ્ણન સમિતિની રચના કેમ કરવામાં આવી હતી?
NEETને લઈને વધતા વિવાદોને ધ્યાનમાં રાખીને આ સમિતિની ભલામણો સામે આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NEET પરીક્ષાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. હાલના વિવાદની શરૂઆત આ વર્ષની શરૂઆતમાં થયેલા NEET પેપર લીક કેસથી થઈ હતી. આ ઘટનાથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા મજબૂર થયા.
તે ઉપરાંત કેટલાક એવા વિદ્યાર્થીઓને અસામાન્ય રીતે વધુ ગુણ મળ્યાના અહેવાલો સામે આવ્યા હતા. પરીક્ષા દરમિયાન ઉત્તરવહીઓમાં ગડબડ અને ચેડાં થયાની વાતોએ પણ પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.
NEET વિવાદ તેની શરૂઆતથી જ ચાલતો આવ્યો છે. શરૂઆતમાં સમગ્ર ભારતમાં મેડિકલ પ્રવેશ પરીક્ષાઓને એકસરખી બનાવવાના હેતુથી NEET શરૂ કરવામાં આવી હતી, જેના કારણે અલગ-અલગ રાજ્યો અને સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓનું સ્થાન એક જ પરીક્ષાએ લીધું. દેશભરના વિદ્યાર્થીઓને સમાન તક મળે તે માટે આ એકસરખી પરીક્ષા વ્યવસ્થા લાવવામાં આવી હતી.
પરંતુ NEETની પેપર આધારિત પદ્ધતિને કારણે તેમાં વ્યવસ્થાપન સંબંધિત મુશ્કેલીઓ અને સુરક્ષા ભંગ થવાનો ખતરો વધુ રહે છે. એટલે કે, પ્રશ્નપત્ર છાપવાથી લઈને તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને તેમાં પેપર લીક અથવા ગડબડ થવાની શક્યતા પણ વધારે રહે છે. બીજી તરફ NTA એ JEE એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાને સંપૂર્ણ રીતે કમ્પ્યુટર આધારિત બનાવી સફળતા મેળવી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓ અને ઈન્ટરનેટ પહોંચ અંગેની ચિંતાઓને કારણે NEET હજુ પણ પેપર આધારિત પરીક્ષા તરીકે જ લેવામાં આવે છે.
વારંવાર પ્રશ્નપત્ર લીક થવા અને ગેરરીતિઓ સામે આવતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. તેના કારણે વિપક્ષી પાર્ટીઓએ NTA અને તેની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે. પક્ષપાત અને ખરાબ વ્યવસ્થાપનના આરોપોએ મામલો વધુ ગંભીર બનાવ્યો, ખાસ કરીને ત્યારે જ્યારે NEETમાં ટોચના રેન્ક મેળવનારા કેટલાક ઉમેદવારો એવા ચોક્કસ પરીક્ષા કેન્દ્રોમાંથી સામે આવ્યા, જેઓ પ્રભાવશાળી લોકો સાથે જોડાયેલા હોવાનું કહેવાતું હતું.
આથી ડૉ. કે. રાધાકૃષ્ણન સમિતિની ભલામણો માત્ર સુધારા પૂરતી નથી, પરંતુ NEETના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. આ ભલામણો દેશની સૌથી મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓમાંથી એકની વિશ્વસનીયતા ફરી સ્થાપિત કરવાની સામૂહિક આશાનું પ્રતિનિધિત્વ કરે છે.












