નેશનલ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ધડાકો: નંદીગ્રામમાં મમતા બેનરજીએ ઉમેદવાર પાછો ખેંચી કોંગ્રેસને આપ્યું સમર્થન

Nandigram Bypoll Mamata Banerjee support Congress: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો અને નવો વળાંક આવ્યો છે. નંદીગ્રામ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણી માટે મમતા બેનરજીના જૂથે પોતાના ઉમેદવારનું નામાંકન પાછું ખેંચી લીધું છે અને હવે તેમણે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ખુલ્લું સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર ચાલી રહેલી આંતરિક ખેંચતાણ, પક્ષના નામ અને પ્રતીક અંગે ચૂંટણી પંચના વચગાળાના આદેશ બાદ મમતા બેનરજીએ વિરોધ પક્ષો સાથે એકતા દર્શાવીને આ મોટો રાજકીય દાવ ખેલ્યો છે.

સંચિતા પ્રધાન ડેનું નામાંકન પાછું ખેંચાયું

મમતા બેનરજીના જૂથ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ નંદીગ્રામ બેઠક માટે સંચિતા પ્રધાન ડેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, સંચિતા પ્રધાન ડેએ નબન્ના ખાતે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ અચાનક જ ચૂંટણી મેદાનમાંથી ખસી જઈને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. આ અણધાર્યા ઘટનાક્રમ બાદ મમતા બેનરજીએ એક તાકીદની પત્રકાર પરિષદ સંબોધી હતી અને ઉમેદવાર વગર ચૂંટણી લડવાને બદલે વિપક્ષી ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

રાહુલ ગાંધી અને કેજરીવાલનો સંપર્ક

પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ ખુલાસો કર્યો હતો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે તેમને ટેલિફોન કરીને વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ‘ઈન્ડિયા’ ગઠબંધન પ્રત્યે સંપૂર્ણ એકતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તમામ વિરોધી પક્ષો એકસાથે મળીને ભાજપ સામે લડશે. આ ઉપરાંત તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના સોશિયલ મીડિયા સ્ટેટમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહીના રક્ષણ માટે વિપક્ષી દળો એકજૂટ થઈને ચૂંટણી મેદાનમાં ઉતરશે.

“આજનો દિવસ લોકશાહીનો કાળો દિવસ”

મમતા બેનરજીએ ચૂંટણી પંચ (EC) અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કરતાં આજના દિવસને દેશની લોકશાહીના ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પક્ષને હરાવવા અને નુકસાન પહોંચાડવા માટે સરકારી તંત્ર, SIR અને EVM નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ માત્ર ભાજપના અહંકારને સંતોષવા માટે કામ કરી રહ્યું છે. તેમણે એવો પણ ગંભીર દાવો કર્યો કે બંગાળમાં મતોની ગણતરી CRPF દ્વારા કરાવવામાં આવી રહી છે, પોલીસ કાર્યકરો પર પક્ષ બદલવા દબાણ કરી રહી છે અને તેમની પાર્ટીના લગભગ 14,000 કાર્યકરો હાલ જેલમાં છે.

બેંક ખાતાઓ ફ્રીઝ અને નજરકેદનો આક્ષેપ

પોતાના પક્ષની વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યથા ઠાલવતાં મમતા બેનરજીએ કહ્યું કે, 29 વર્ષ જૂની પાર્ટી હોવા છતાં તેમના સત્તાવાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને તેમને પોતાના જ કાર્યકરોને મળવા દેવામાં આવતા નથી, જેના કારણે તેઓ પોતે એક રીતે નજરકેદ જેવી સ્થિતિમાં છે. ચૂંટણી પંચના વચગાળાના આદેશ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે આ આખરી નિર્ણય નથી અને તેઓ તેને કાયદેસર રીતે અદાલતમાં પડકારશે. તેમણે મક્કમ મનોબળ દર્શાવતા કહ્યું, “હું TMC ની સ્થાપક અધ્યક્ષ છું અને મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટી છોડીશ નહીં.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પર આકરા પ્રહારો

મમતા બેનરજીએ નામ લીધા વિના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને બળવાખોર જૂથ પર આકરા શરબાણો છોડ્યા હતા. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ચાર મહિના પહેલાં જે ચિહ્ન પર જીતીને આવ્યા હતા, તેઓ જ આજે તેની સામે કેવી રીતે ઊભા રહી શકે? તેમણે કહ્યું કે હવે જનતા સામે સ્પષ્ટ થઈ ગયું છે કે વાસ્તવિક તૃણમૂલ કોણ છે અને કોણ માત્ર નામનો દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી પર નિશાન સાધતાં કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યામંત્રી યોગી આદિત્યનાથ કરતાં પણ વધુ ખરાબ રીતે વર્તી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે.

ચૂંટણી પંચે બંને જૂથોને ફાળવ્યા નવા ચૂંટણી પ્રતીકો

તૃણમૂલ કોંગ્રેસમાં પડેલા બે ફાંટા બાદ ચૂંટણી પંચે એક વચગાળાનો આદેશ જારી કરીને મૂળ પક્ષનું નામ ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને પ્રતીક ‘જોધા ઘાસ ફૂલ’ નો ઉપયોગ કરવા પર બંને જૂથો માટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ચૂંટણી પંચે મમતા બેનરજીના જૂથને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘ફૂટબોલ પ્લેયર’ પ્રતીક ફાળવ્યું છે. જ્યારે અરૂપ રોયના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘પરબિડીયું’ (એન્વલપ) નું ચૂંટણી પ્રતીક આપવામાં આવ્યું છે.

6 ઓક્ટોબરે યોજાશે હાઈ-વોલ્ટેજ પેટાચૂંટણી

પશ્ચિમ બંગાળની હાઈ-પ્રોફાઈલ નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર 6 ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 9 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પરથી વિજેતા બન્યા હતા, ત્યારબાદ તેમણે નંદીગ્રામ બેઠક ખાલી કરી હતી. બીજી તરફ AJUP ના નેતા હુમાયુ કબીરે નાઓડા અને રેજીનગર બેઠકો જીત્યા બાદ રેજીનગરથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

વિવિધ પક્ષોના ઉમેદવારો મેદાનમાં

નંદીગ્રામની આ બેઠક પર રાજકીય સંગ્રામ અત્યંત રોચક બન્યો છે. ભાજપે શુભેન્દુ અધિકારીના ભૂતપૂર્વ અંગત સહાયક ચંદ્રનાથ રથના માતા હસીની રથને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે મિલન પ્રધાનને ઉતાર્યા છે, જેમને હવે મમતા બેનરજીના જૂથનું સમર્થન મળ્યું છે. આ ઉપરાંત મોહમ્મદ એતેશામુલ હક ઋતબ્રત જૂથ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ડાબેરી મોરચાએ પણ પોતાનો સ્વતંત્ર ઉમેદવાર ઉતારીને ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે.

આ પણ વાંચો: બિહાર: ભાજપ યુવા પાંખના મહાસચિવની ગોળી મારીને હત્યા, ઘરમાંથી મળ્યો મૃતદેહ

Back to top button