ગણેશ વિસર્જન જુલૂસ દરમિયાન કર્ણાટકમાં પથ્થરમારો, મસ્જિદ-મદરેસાની બારીઓના કાચ તૂટ્યા
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના ભટકલમાં ગણેશ વિસર્જન જુલૂસ દરમિયાન મસ્જિદ અને મદરેસા પર કથિત પથ્થરમારાની ઘટના બાદ તણાવનો માહોલ સર્જાયો છે. અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના આરોપ બાદ સ્થાનિક લોકો પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
જુલૂસ મસ્જિદ-મદરેસા નજીક પહોંચતા પથ્થરમારો
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે તલાંદથી ગણેશ મૂર્તિના વિસર્જન માટે જુલૂસ નીકળ્યો હતો. જુલૂસ ગુલ્મી રેલવે બ્રિજ પાર કરીને રેલવે સ્ટેશન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઇસ્માઇલ સુન્ની જામિયા મસ્જિદ અને તેની નજીક આવેલા તાજુસ સુન્ના અરેબિક મદરેસા પાસે કથિત રીતે પથ્થરમારો થયો હતો.
પથ્થરમારામાં મસ્જિદ અને મદરેસાની બારીઓના કાચ તૂટ્યા હોવાનું પોલીસ અને સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે. જોકે, પથ્થરમારો કોણે કર્યો અને તેનો ચોક્કસ હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આરોપીઓની ધરપકડની માંગ સાથે વિરોધ
ઘટનાની જાણ થતાં સ્થાનિક મુસ્લિમ સમુદાયના મોટી સંખ્યામાં લોકો ભટકલ ટાઉન પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા હતા. તેમણે પથ્થરમારામાં સામેલ લોકોને વહેલી તકે શોધી ધરપકડ કરવાની માંગ કરી હતી. અબ્દુલ અલીમ અને શાહુલ અમીન ગવાઈની ફરિયાદના આધારે ભટકલ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
SP દીપન ઘટનાસ્થળે પહોંચ્યા
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર કન્નડના SP દીપન પોલીસ દળ સાથે ભટકલ પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અને પોલીસને તપાસ માટે સમય આપવા અપીલ કરી હતી.
SP દીપને જણાવ્યું કે ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ટીમ સ્થળ પર તૈનાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
CCTV અને સાક્ષીઓના આધારે તપાસ
પોલીસ હવે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તથા પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળતી માહિતીના આધારે પથ્થરમારો કરનારા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ દરમિયાન ગણેશ જુલૂસના કેટલાક સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હોવાના સ્થાનિક અહેવાલો છે.
ઘટના બાદ ભટકલમાં કોઈ વધુ અપ્રિય બનાવ ન બને તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અને તપાસમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘ઊર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય’, અમેરિકાના 100 ટકા ટેરિફ બિલ પર ભારતનો બેધડક જવાબ












