ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

‘ઊર્જા સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય’, અમેરિકાના 100 ટકા ટેરિફ બિલ પર ભારતનો બેધડક જવાબ

India Russia Iran sanctions: અમેરિકી કોંગ્રેસે રશિયા અને ઈરાન પર નવા પ્રતિબંધો લાદવા સાથે રશિયન તેલ ખરીદનારા દેશો પર ભારે ટેરિફ લાદવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિને આપતું બિલ પસાર કર્યા બાદ ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતે કહ્યું છે કે તે સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને દેશની ઊર્જા સુરક્ષા તથા વેપાર-આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં ભરશે.

‘1.4 અબજથી વધુ લોકોની ઊર્જા સુરક્ષા અમારી પ્રાથમિકતા’

વિદેશ મંત્રાલયે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઊર્જા નીતિ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને બજારની બદલાતી પરિસ્થિતિઓ પર આધારિત છે. ભારત પોતાના 1.4 અબજથી વધુ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વિવિધ દેશોમાંથી તેલ અને ગેસની ખરીદી ચાલુ રાખશે.

સરકારના જણાવ્યા અનુસાર, ઊર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય જાળવી રાખવું ભારતની વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો છે. એટલે કોઈ એક દેશ પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે બજારની સ્થિતિ અને રાષ્ટ્રીય હિત અનુસાર સપ્લાયના વિકલ્પો નક્કી કરવામાં આવે છે.

અમેરિકાને પણ ભારતે પોતાની ચિંતા જણાવી

ભારતે કહ્યું છે કે આ મુદ્દે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અમેરિકાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા થઈ છે. નવી દિલ્હીએ અમેરિકી પક્ષ સમક્ષ એ પણ રજૂ કર્યું છે કે આવા પ્રતિબંધોની અસર માત્ર ભારત-અમેરિકા સંબંધો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક ઊર્જા બજાર પર પણ અસર પડી શકે છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અગાઉ કહ્યું હતું કે ભારત જેવા દેશ માટે 1.4 અબજથી વધુ લોકોની ઊર્જા જરૂરિયાત પૂરી કરવી મહત્વપૂર્ણ છે અને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ માત્ર તેલની ખરીદી કે વેચાણથી નહીં, પરંતુ સંવાદ અને કૂટનીતિથી આવી શકે છે.

ભારત વેપાર અને ઉદ્યોગ જગત સાથે મળીને કામ કરશે

સરકારના તાજેતરના નિવેદન મુજબ, ભારત પોતાના વેપાર અને આર્થિક હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં અંગે વિચાર કરશે. સંભવિત અસરનો સામનો કરવા માટે સરકાર ભારતીય વેપાર અને ઉદ્યોગ સંગઠનો સાથે પણ સંકલન કરશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમેરિકી હાઉસમાં 262-159 મતથી બિલ પસાર

અમેરિકી પ્રતિનિધિ સભાએ 16 સપ્ટેમ્બરે “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026”ને 262-159 મતથી મંજૂરી આપી છે. આ બિલ અગાઉ અમેરિકી સેનેટમાંથી પણ પસાર થઈ ચૂક્યું હતું અને હવે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે.

બિલ હેઠળ ટ્રમ્પને રશિયા પર વધુ પ્રતિબંધો લાદવાની સાથે રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો સામે 100% સુધીના ટેરિફ લાદવાની સત્તા મળી શકે છે. ભારત અને ચીન જેવા મોટા રશિયન ઊર્જા ખરીદદારો આ જોગવાઈના સંભવિત દાયરામાં આવે છે. જોકે, 100% ટેરિફ આપમેળે લાગુ થઈ જતો નથી; બિલ રાષ્ટ્રપતિને તેને લાદવાની સત્તા આપે છે.

આ પણ વાંચો: પીએમ મોદીના જન્મદિવસ પર શુભકામનાઓનો વરસાદ, અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પોસ્ટ કરી

Back to top button