અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગણેશ વિસર્જન આજે અમદાવાદના અનેક રસ્તા બંધ, જાણો વૈકલ્પિક રૂટ અને ટ્રાફિક અપડેટ

Ganesh Visarjan Traffic Routes: ગણેશ ઉત્સવના અંતિમ દિવસે આજે, 25 સપ્ટેમ્બરે અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 1 વાગ્યા પછી સરદાર બ્રિજ, એલિસબ્રિજ અને રિવરફ્રન્ટ ઈસ્ટ તથા વેસ્ટ તરફના રસ્તાઓ સહિતના કેટલાક માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે. ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને વાહનો રસ્તા પર આવવાની શક્યતા હોવાથી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધવાની સંભાવના છે. ખાસ કરીને આશ્રમ રોડ સહિતના વૈકલ્પિક માર્ગો પર વાહનોની સંખ્યા વધી શકે છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પણ જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એરપોર્ટ અને રેલવે સ્ટેશન તરફ જતાં મુસાફરોને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એકથી બે કલાક વહેલા ઘરેથી નીકળવાની સલાહ આપવામાં આવી છે.

જમાલપુર બ્રિજથી પાલડી તરફનો માર્ગ બંધ

એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈ સરદાર બ્રિજ મારફતે પાલડી તરફ જતો માર્ગ બંધ રહેશે. વાહનચાલકો એસટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા, દાણીલીમડા ચાર રસ્તા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા અને પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ તરફ જઈ શકશે.

ગીતામંદિરથી રેલવે સ્ટેશન તરફ પણ પ્રતિબંધ

એસટી ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા, સારંગપુર સર્કલ થઈ રેલવે સ્ટેશનના ઈનગેટ તરફ જતો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. નરોડા તરફ જતા વાહનચાલકો એસટી સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તા, કાંકરિયા ચોકી, અપ્સરા સિનેમા, અનુપમ સિનેમા, ગોમતીપુર રેલવે કોલોની, કાલિદાસ ચાર રસ્તા, સરસપુર અને કાલુપુર બ્રિજ થઈ આગળ જઈ શકશે.

કાલુપુરથી એલિસબ્રિજ સુધીના માર્ગ પર અસર

કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર સર્કલ, કાગડાપીઠ, રાયપુર ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, ખમાસા ચાર રસ્તા અને વિક્ટોરિયા ગાર્ડન થઈ એલિસબ્રિજ ટાઉનહોલ સુધીનો માર્ગ પણ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ, આંબેડકર હોલ, ગોમતીપુર રેલવે કોલોની, અનુપમ સિનેમા, અપ્સરા સિનેમા, દાણીલીમડા, આંબેડકર બ્રિજ, અંજલી ચાર રસ્તા અને પાલડી થઈ આશ્રમ રોડ તરફ જઈ શકાશે.

રખિયાલથી ગુરુદ્વારા ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ

રખિયાલ ચાર રસ્તાથી કાલિદાસ ચાર રસ્તા, ચારતોળા કબ્રસ્તાન, ડબ્બા બજાર, સરસપુર આઈટીઆઈ થઈ ગુરુદ્વારા ચાર રસ્તા તરફ જતો માર્ગ પણ બંધ રહેશે.

આ માર્ગના વિકલ્પ તરીકે વાહનચાલકો રખિયાલ ચાર રસ્તાથી ગરીબનગર ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા અને નરોડા ફ્રૂટ માર્કેટ થઈ કાલુપુર તરફ જઈ શકશે.

દિલ્હી દરવાજા અને દધીચી બ્રિજ તરફ પણ ટ્રાફિક પ્રતિબંધ

દિલ્હી દરવાજા નમસ્તે સર્કલથી ટ્રાફિક ભવન, કેન્દ્રીય વિદ્યાલયના કટ અને દધીચી બ્રિજ સુધીનો માર્ગ વાહનો માટે બંધ રહેશે. દિલ્હી દરવાજાથી લીમડા ચોક, લીથો પ્રેસ થઈ દધીચી બ્રિજ તરફનો માર્ગ પણ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે દિલ્હી દરવાજાથી ઈદગાહ સર્કલ થઈ અસારવા અને શાહીબાગ તરફ જઈ શકાશે. જ્યારે દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તા, શંકરભુવન, ગાંધી બ્રિજ અને ઇન્કમટેક્સ તરફથી પણ અવરજવર કરી શકાશે.

રિવરફ્રન્ટ ઈસ્ટ અને રિવરફ્રન્ટ વેસ્ટ તરફના રસ્તાઓ પર પણ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પ્રતિબંધ રહેશે.

ગણેશ વિસર્જનના પગલે કોર્ટમાં પણ મહત્વનો નિર્ણય

ગણેશ વિસર્જનને કારણે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ બંધ રહેવાના હોવાથી નીચલી અદાલતોની કામગીરી અંગે પણ બાર એસોસિયેશનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિયેશન, સેશન્સ કોર્ટ બાર તેમજ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય બાર સહિતના એસોસિયેશનોએ 25 સપ્ટેમ્બરના રોજ સમન્સ કે વોરંટ નહીં કાઢવા અંગે ઠરાવ કર્યો છે.

બાર એસોસિયેશનના જણાવ્યા મુજબ ગણેશ વિસર્જનના કારણે પક્ષકારો અને વકીલોને કોર્ટ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પક્ષકાર અથવા એડવોકેટની ગેરહાજરીમાં કાર્યવાહી એકતરફી રીતે નહીં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત, 25 સપ્ટેમ્બરે જે કામ જે સ્ટેજ પર હશે તે જ સ્ટેજ પર રાખવામાં આવશે અને કોઈપણ કામમાં સ્ટેજ બંધ નહીં કરવામાં આવે. ગણેશ વિસર્જનના દિવસે પક્ષકારો અને વકીલોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું બાર એસોસિયેશનો દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો : કપરાડામાં વીજપોલ હાઈટેન્શન લાઇનને અડતાં કરુણાંતિકા: 5 શ્રમિકોને કરંટ, બેના મોત

Back to top button