ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશભરમાં આંદોલનોની આગ: દિલ્હીથી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સુધી વિરોધના સૂર તેજ, જાણો ક્યાં શું છે મુદ્દો?

નવી દિલ્હી: દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ મુદ્દાઓને લઈને મોટા પાયે આંદોલનો ચાલી રહ્યા છે. એક તરફ દિલ્હીમાં શિક્ષણ સુધારા અને પરીક્ષા પેપર લીકના મુદ્દે ભૂખ હડતાળ ચાલી રહી છે, તો બીજી તરફ ઉત્તરાખંડમાં હજારો વૃક્ષોના કાપ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશમાં કેન-બેતવા નદી લિંક પ્રોજેક્ટથી પ્રભાવિત આદિવાસી પરિવારો પુનર્વસન અને યોગ્ય વળતરની માંગ સાથે અનોખા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્રણેય આંદોલનોના મુદ્દા અલગ છે, પરંતુ સરકાર સામે જનઆક્રોશ સતત વધી રહ્યો છે.

દિલ્હી: સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને શિક્ષણ સુધારાની માંગ

રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુક 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. 21માં દિવસે તેમને જબરજસ્તી ઉઠાવીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ઉઠાવવામાં આવેલી શિક્ષણ સુધારા, પરીક્ષાઓમાં પારદર્શિતા અને પેપર લીક જેવા મુદ્દાઓને સમર્થન આપી રહ્યા હતા.

લાંબા સમય સુધી માત્ર પાણી અને મીઠાના સહારે ઉપવાસ કરવાને કારણે તેમની તબિયત બગડતાં દિલ્હી પોલીસે તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા. વાંગચુકને હોસ્પિટલ ખસેડાયા બાદ CJPના સ્થાપક અભિજીત દીપકેએ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી. ત્યારબાદ જંતર-મંતર પર વિરોધ વધુ ઉગ્ર બન્યો અને દીપકે પર એક મહિલાએ શાહી ફેંકી હોવાની ઘટના પણ સામે આવી. આંદોલનકારીઓ કેન્દ્ર સરકાર સામે શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

ઉત્તરાખંડ: સેકન્ડ ચિપકો મૂવમેન્ટથી ગુંજી ઉઠ્યું રાજ્ય

ઉત્તરાખંડમાં પર્યાવરણ બચાવવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. ઋષિકેશ-ભાનિયાવાલા હાઇવે વિસ્તરણ પ્રોજેક્ટ માટે હજારો વૃક્ષો કાપવાની પ્રક્રિયા સામે સ્થાનિક લોકો, પર્યાવરણપ્રેમીઓ અને વિવિધ સામાજિક સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે.

આ પ્રોજેક્ટ માટે 4,300થી વધુ વૃક્ષો કાપવાની યોજના છે, જેમાં શિવાલિક હાથી અભ્યારણ્યનો વિસ્તાર પણ સામેલ છે. વિરોધીઓનું કહેવું છે કે આ પગલાથી હાથીઓના કુદરતી માર્ગોને ભારે નુકસાન થશે અને સમગ્ર જંગલનું પર્યાવરણ ખોરવાઈ જશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન માનવ સાંકળો બનાવવામાં આવી રહી છે, ‘બ્લેક હરેલા’ જેવા પર્યાવરણ અભિયાન યોજાઈ રહ્યા છે અને કેટલાક સ્થળોએ વૃક્ષોને બચાવવા માટે કાર્યકરો વૃક્ષોને ચોંટીને ઉભા રહેતા જોવા મળ્યા છે. આંદોલનને ઘણા લોકો ઐતિહાસિક ચિપકો આંદોલનનું નવું સ્વરૂપ ગણાવી રહ્યા છે.

આ ઉપરાંત ઉત્તરાખંડમાં સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા કથિત પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

મધ્યપ્રદેશ: ચિતા આંદોલન દ્વારા આદિવાસીઓનો વિરોધ

મધ્યપ્રદેશના છતરપુર અને પન્ના જિલ્લામાં કેન-બેતવા નદી લિંક પ્રોજેક્ટ અને અન્ય સિંચાઈ યોજનાઓને કારણે હજારો આદિવાસી અને ગ્રામિણ પરિવારોના સ્થળાંતરની સ્થિતિ ઉભી થઈ છે. અસરગ્રસ્ત લોકોનું કહેવું છે કે તેમને યોગ્ય વળતર અને પુનર્વસનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી.

સરકાર સામે અનોખો વિરોધ નોંધાવવા માટે ગ્રામજનોએ અનેક પ્રતિકાત્મક રીતો અપનાવી છે. કેટલાક લોકોએ નદીમાં કમર સુધી પાણીમાં ઊભા રહીને જળ સત્યાગ્રહ કર્યો, કેટલાકે ગળામાં ફાંસાનો પ્રતિકાત્મક ફંદો પહેર્યો, તો કેટલાક લોકો પ્રતિકાત્મક ચિતા પર સૂઈને ‘ચિતા સત્યાગ્રહ’ કરી રહ્યા છે.

પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ એ છે કે પુનર્વસન પેકેજમાં વધારો કરવામાં આવે જેથી તેઓ નવી જગ્યાએ ખેતી માટે જમીન ખરીદી શકે અને જીવન ફરીથી શરૂ કરી શકે. બીજી તરફ જિલ્લા પ્રશાસને અસરગ્રસ્ત પરિવારોનું ફરી સર્વેક્ષણ શરૂ કર્યું છે અને અગાઉ યાદીમાંથી છૂટી ગયેલા અનેક પરિવારોને વળતર યોજનામાં સામેલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

અલગ મુદ્દા, પરંતુ એક જ સંદેશ

દિલ્હી, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ચાલી રહેલા આંદોલનોના મુદ્દા ભલે જુદા હોય, પરંતુ ત્રણેય જગ્યાએ લોકો સરકાર સમક્ષ પોતાના અધિકારો, પારદર્શિતા, પર્યાવરણ સંરક્ષણ અને ન્યાયની માંગ કરી રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થા હોય, કુદરતી સંપત્તિનું રક્ષણ હોય કે વિકાસ પ્રોજેક્ટોથી પ્રભાવિત પરિવારોનું પુનર્વસન—દેશના વિવિધ ભાગોમાં લોકો પોતાના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરી રહ્યા છે.

આગામી દિવસોમાં આ આંદોલનો કઈ દિશામાં આગળ વધશે અને સરકાર તેમની માંગણીઓ પર શું નિર્ણય લેશે તેના પર સમગ્ર દેશની નજર રહેશે.

આ પણ વાંચોઃ જંતર-મંતર પર અભિજીત દીપકે પર મહિલાએ શાહી ફેંકી , થપ્પડ મારવાનો પણ પ્રયાસ, ઘટનાથી અફરાતફરી
Back to top button