ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

India Post GDS Recruitment 2026: 10 પાસ માટે 23,757 જગ્યાઓ પર ભરતી

India Post GDS Recruitment 2026: સરકારી ભરતીની રાહ જોઈ રહેલા 10 પાસ ઉમેદવારો માટે મોટી તક સામે આવી છે. ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક (GDS)ની કુલ 23,757 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોને કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવાનો નથી. ધોરણ 10ના માર્ક્સના આધારે તૈયાર થતા મેરિટ લિસ્ટથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગના GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુઅલ-2, જુલાઈ-26  અંતર્ગત બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM) અને ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી માટે વન-ટાઈમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 31 ઓગસ્ટ, 2026થી શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો 19 સપ્ટેમ્બર, 2026ના સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી શકશે. ઓનલાઈન અરજી અને ફી ભરવાની પ્રક્રિયા 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ 21 સપ્ટેમ્બર, 2026ના સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. અરજીમાં સુધારા માટે 23 અને 24 સપ્ટેમ્બરે કરેક્શન વિન્ડો આપવામાં આવશે.

23,757 જગ્યાઓ પર થશે ભરતી

આ ભરતી અભિયાન અંતર્ગત દેશભરના અલગ-અલગ પોસ્ટલ સર્કલમાં કુલ 23,757 જગ્યાઓ ભરવાની છે. તેમાં BPM, ABPM અને Dak Sevakની જગ્યાઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સર્કલમાં 2,297, તમિલનાડુમાં 2,118 અને ઉત્તર પ્રદેશમાં 1,691 જગ્યાઓ છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં ગુજરાતી ભાષા માટે કુલ 499 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

મહત્વની તારીખો

  • રજિસ્ટ્રેશન શરૂ: 31 ઓગસ્ટ, 2026
  • રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર, 2026
  • ઓનલાઈન અરજી શરૂ: 2 સપ્ટેમ્બર, 2026
  • અરજી અને ફીની છેલ્લી તારીખ: 21 સપ્ટેમ્બર, 2026
  • Correction Window: 23થી 24 સપ્ટેમ્બર, 2026

ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે રજિસ્ટ્રેશન અને ઓનલાઈન અરજીની તારીખો અલગ છે. પહેલાં વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી પૂર્ણ કરવાની રહેશે. આ શેડ્યુઅલ-2 માટે ઉમેદવારોએ નવેસરથી રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. અગાઉની ભરતીના રજિસ્ટ્રેશન નંબર માન્ય રહેશે નહીં.

કોણ કરી શકે અરજી?

GDSની જગ્યાઓ માટે ઉમેદવારનું માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષયમાં પાસ થયેલા હોવા જોઈએ. આ ઉપરાંત જે પોસ્ટલ સર્કલ માટે અરજી કરવામાં આવે તેની નિર્ધારિત સ્થાનિક ભાષાનો અભ્યાસ ઓછામાં ઓછો ધોરણ 10 સુધી કરેલો હોવો જરૂરી છે. ગુજરાતની જગ્યાઓ માટે સ્થાનિક ભાષા ગુજરાતી છે. ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટ આપવામાં આવશે.

કોઈ પરીક્ષા નહીં, 10ના માર્ક્સથી પસંદગી

આ ભરતીની સૌથી મહત્ત્વની બાબત એ છે કે GDSની પસંદગી માટે કોઈ અલગ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોના ધોરણ 10ના માર્ક્સ અથવા ગ્રેડના આધારે સિસ્ટમ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને ત્યારબાદ મૂળ દસ્તાવેજોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે ધોરણ 10માં સારા માર્ક્સ ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી મહત્વની તક બની શકે છે.

અહીં કરો અરજી

https://www.indiapost.gov.in/gdsonlineengagement

કેટલી અરજી ફી? કેટલો પગાર?

સામાન્ય રીતે અરજી ફી રૂ.100 રાખવામાં આવી છે. મહિલા ઉમેદવારો, SC, ST, PwBD અને Transwomen ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બ્રાન્ચ પોસ્ટમાસ્ટરએટલે કે BPM માટે TRCA રૂ.12,000થી રૂ.29,380 સુધી છે. જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે રૂ.10,000થી રૂ.24,470 સુધી TRCA નક્કી કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

કેવી રીતે કરશો અરજી?

ઉમેદવારે સૌપ્રથમ ઈન્ડિયા પોસ્ટના સત્તાવાર GDS Online Engagement Portal પર જઈ વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન માટે માન્ય મોબાઈલ નંબર અને ઈ-મેલ ID જરૂરી રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ 2 સપ્ટેમ્બરથી ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરતી વખતે શૈક્ષણિક વિગતો, પોસ્ટલ સર્કલ અને પોસ્ટની પસંદગી સહિતની માહિતી ભરવાની રહેશે. જરૂરી હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન ફી પણ ચૂકવવાની રહેશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલાં સત્તાવાર નોટિફિકેશનમાં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, સ્થાનિક ભાષા અને પોસ્ટવાર શરતો ચોક્કસ તપાસી લેવી.

આ પણ વાંચોઃ 50 કરોડનું સોનું, કેટલાય બોક્સમાં ચાંદી અને રોકડ રકમ, નેપાળ પૂરમાં ડૂબેલી બેન્કનો ખજાનો નીકળ્યો
Back to top button