ટ્રેન્ડિંગબિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણની આજે છેલ્લી તક, અત્યાર સુધી 5.40 ગણું સબ્સ્ક્રિપ્શન

IPO Subscription GMP:   જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓ (Jio Platforms IPO)માં રોકાણ કરવા માટે આજે, 23 ઑક્ટોબર છેલ્લો દિવસ છે. 21 ઑક્ટોબરે ખુલેલા આઈપીઓને શરૂઆતના બે દિવસમાં જ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી આ આઈપીઓ કુલ 5.40 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. બીજી તરફ, ગ્રે માર્કેટમાં પણ આઈપીઓનું પ્રીમિયમ નોંધપાત્ર સ્તરે જોવા મળી રહ્યું છે.

કઈ કેટેગરીમાં કેટલું સબ્સ્ક્રિપ્શન મળ્યું? (IPO Subscription)

જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓને રોકાણકારોની વિવિધ કેટેગરીમાં અલગ-અલગ પ્રતિસાદ મળ્યો છે. ઉપલબ્ધ આંકડા અનુસાર, રિટેલ રોકાણકારોની કેટેગરીમાં આઈપીઓ 1.55 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. જ્યારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 12.87 ગણું અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 5.67 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું છે. ખાસ વાત એ છે કે QIB કેટેગરીનો હિસ્સો શરૂઆતના 100 મિનિટમાં જ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. આઈપીઓ ખુલતા પહેલાં એન્કર રોકાણકારો પાસેથી કંપનીએ રૂ. 8,109.85 કરોડ એકત્ર કર્યા હતા. આ રોકાણકારોમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) સહિતના મોટા સંસ્થાકીય રોકાણકારોનો સમાવેશ થાય છે.

જિયો પ્લેટફોર્મ્સ IPOનો પ્રાઇસ બેન્ડ કેટલો? (IPO Price Band)

દેશના સૌથી મોટા આઈપીઓ તરીકે રજૂ થયેલા જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓ માટે શેરદીઠ રૂ. 1,065થી રૂ. 1,119નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. એક લોટમાં 12 શેર રાખવામાં આવ્યા છે. આ પ્રમાણે ઉપરના પ્રાઇસ બેન્ડ પર રિટેલ રોકાણકારોએ એક લોટ માટે ઓછામાં ઓછા રૂ. 13,428નું રોકાણ કરવું પડશે. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે શેરદીઠ રૂ. 54નો ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યો છે.

ક્યારે થશે શેરનું એલોટમેન્ટ અને લિસ્ટિંગ? (IPO Listing Date)

આઈપીઓ માટે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 ઑક્ટોબરે શેરનું એલોટમેન્ટ થવાનું છે. ત્યારબાદ 28 ઑક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર શેરનું લિસ્ટિંગ થવાનું નિર્ધારિત છે.

ગ્રે માર્કેટમાં કેટલું છે GMP? (Jio Platforms IPO GMP)

ઇન્વેસ્ટર્સ ગેઇનના અહેવાલ મુજબ, 23 ઑક્ટોબરે જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 240 નોંધાયું છે. આ પ્રીમિયમ ઉપરના ઇશ્યૂ પ્રાઇસની સરખામણીએ આશરે 21.45 ટકાના સંભવિત લિસ્ટિંગ ગેઇન તરફ સંકેત આપે છે.જોકે, 20 ઑક્ટોબરે આઈપીઓનું GMP રૂ. 273 હતું. તેની સરખામણીએ તેમાં રૂ. 33નો ઘટાડો થયો છે. ગ્રે માર્કેટના ભાવમાં સતત ફેરફાર  થતો હોવાથી તેને શેરના વાસ્તવિક લિસ્ટિંગ ભાવની ખાતરી માનવી યોગ્ય નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

આઈપીઓનું કુલ કદ કેટલું છે? (IPO Size)

જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓનું કુલ કદ રૂ. 30,213 કરોડ હોવાનું જણાવાયું છે. આ ઓફર હેઠળ કંપની 27 કરોડ નવા શેર જારી કરશે. આપવામાં આવેલી વિગતો અનુસાર, કંપનીના હાલના રોકાણકારો આઈપીઓમાં પોતાના શેર વેચી રહ્યા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

DISCLAIMER: ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર બજારના અંદાજને દર્શાવે છે અને તેમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે. રોકાણ કરતાં પહેલાં કંપનીની નાણાકીય સ્થિતિ, વ્યવસાયની સંભાવનાઓ અને આઈપીઓ સંબંધિત સત્તાવાર દસ્તાવેજો તપાસવા જરૂરી છે. જરૂર જણાય તો નાણાકીય સલાહકારની મદદ લેવી.

આ પણ વાંચો : ચૂંટણી પંચમાં આંતરિક મતભેદો સપાટી પર: બંને ચૂંટણી કમિશનરોએ કેબિનેટ સચિવને પત્ર લખી વરિષ્ઠ અધિકારી સામે કાર્યવાહીની માગ કરી

Back to top button