ફટાકડા ફોડવા રાજકોટ એરપોર્ટ ડિરેક્ટરને ભારે પડ્યા, 24 દિવસમાં જ પદ પરથી હટાવાયા

Airport Director Removed : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર ધનંજયકુમાર સિંઘને પદ સંભાળ્યાના માત્ર 24 દિવસમાં જ હટાવી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. 28 ઓક્ટોબરના રોજ પક્ષીઓને ઉડાડવા માટે ફોડવામાં આવેલા ફટાકડાના કારણે રન-વે નજીકના ઘાસમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને રાજકોટના બદલે વડોદરા ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી. આ ગંભીર બેદરકારી બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ફટાકડાના ધુમાડાથી ફ્લાઇટનું લેન્ડિંગ અટકાવાયું
28 ઓક્ટોબરના રોજ દિલ્હીથી 100થી વધુ મુસાફરોને લઈને એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 10:25 વાગ્યે રાજકોટ પહોંચી હતી. આ ફ્લાઇટમાં સિવિલ એવિએશન સેક્રેટરી સિંહા પણ સવાર હતા, જેઓ કેશોદ એરપોર્ટના નિરીક્ષણ માટે આવી રહ્યા હતા.
દરમિયાન એરપોર્ટ પર પક્ષીઓને ભગાડવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેના કારણે રન-વે નજીકના ઘાસમાં આગ લાગી હતી અને ધુમાડો ફેલાતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. પરિસ્થિતિને કારણે પાઇલટે વિમાનને લેન્ડ કરવાને બદલે ચાર વખત ચક્કર લગાવ્યાં હતાં. આખરે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને વડોદરા ડાઇવર્ટ કરવામાં આવી હતી.
બપોરે 12:20 વાગ્યે રાજકોટ આવી ફ્લાઇટ
વડોદરા ડાઇવર્ટ કરાયેલી ફ્લાઇટ બાદમાં બપોરે 12:20 વાગ્યે રાજકોટ પરત આવી હતી. આ ઘટનામાં સિવિલ એવિએશન સેક્રેટરીને પણ અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત એરપોર્ટના કાર્ગો વિભાગમાં પાણી ભરાવાને લઈને પણ વિવાદ ઊભો થયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અને બેદરકારીને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડિરેક્ટર ધનંજયકુમાર સિંઘને રાજકોટ એરપોર્ટના પદ પરથી હટાવી કોમર્શિયલ વિભાગમાં મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
હવે કોને સોંપાયો એરપોર્ટ ડિરેક્ટરનો ચાર્જ?
ડિરેક્ટરનો ચાર્જ CNS વિભાગના વડા સંજય અગ્રવાલને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેઓ 12 નવેમ્બર સુધી રજા પર હોવાથી હાલ ATC વિભાગના એક અધિકારી કાર્યકારી ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ મામલે ડિરેક્ટર ડી.કે. સિંઘનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એટીસીના અધિકારીએ ફોન ઉપાડીને ડિરેક્ટર રજા પર હોવાનું જણાવ્યું હતું. રાજકોટ એરપોર્ટ પર બનેલી આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : ધનતેરસે સોના-ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે તેજી! જાણો અમદાવાદ સહિત દેશનાં મોટા શહેરોના આજના ભાવ











