નિરમા યુનિવર્સિટી યુનિવર્સિટીમાં પ્રોફેસરનો પિત્તો છટક્યો, વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડી

Nirma University Viral Video : અમદાવાદની નિરમા યુનિવર્સિટીનો (Nirma University) એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં એક પ્રોફેસર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી તેની કોલર પકડીને ઠપકો આપતા જોવા મળે છે. વિદ્યાર્થીની એક ટિપ્પણી બાદ આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
TECHNOFORA’26માં બની ઘટના
મળતી માહિતી મુજબ, આ ઘટના નિરમા યુનિવર્સિટી યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આયોજિત TECHNOFORA’26 દરમિયાન બની હતી. 18થી 20 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ટેકનિકલ પ્રવૃત્તિઓ, વર્કશોપ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેજ પરથી વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા પ્રોફેસર
કાર્યક્રમ દરમિયાન જાણીતા કોમેડિયન રજત સૂદ પણ પર્ફોર્મ કરી રહ્યા હતા. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિભાગના હેડ અને પ્રોફેસર ડૉ. હિમાંશુ કે. પટેલ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા.
આ દરમિયાન પ્રેક્ષકોમાં બેઠેલા એક વિદ્યાર્થીએ ફિલ્મ ગોલમાલ 3નો જાણીતો ડાયલોગ “જલ્દી કર, પનવેલ નીકળના હૈ” મોટેથી બોલ્યો હતો. આ ટિપ્પણી બાદ પ્રોફેસર નારાજ થયા હોવાનું વાયરલ વીડિયોમાં જોવા મળે છે.
વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડી
વાયરલ થયેલી ક્લિપમાં પ્રોફેસર વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવતા જોવા મળે છે. વિદ્યાર્થી સ્ટેજ પર પહોંચ્યા બાદ પ્રોફેસરે તેની કોલર પકડીને તેને ઠપકો આપ્યો હતો અને તેણે શું કહ્યું હતું તે અંગે સવાલ કર્યો હતો.
વીડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થીને કડક શબ્દોમાં ચેતવણી આપતા પણ સંભળાય છે. ફેકલ્ટી મેમ્બરના અપમાનને ગંભીરતાથી લેવાની વાત કરતાં વિદ્યાર્થીને કેમ્પસમાંથી કાયમી ધોરણે બહાર કરવાની કાર્યવાહી થઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઘટનાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં બનેલી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો દ્વારા પ્રોફેસરના વર્તન અને વિદ્યાર્થીની ટિપ્પણી બંને અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
જોકે, વાયરલ વીડિયોમાં દેખાતી ઘટના અંગે યુનિવર્સિટી તરફથી સત્તાવાર નિવેદન અથવા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની માહિતી હાલ સામે આવી નથી. યુનિવર્સિટીનું સત્તાવાર નિવેદન સામે આવ્યા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.
આ પણ વાંચો : કોકરોચ જનતા પાર્ટી ફરી મેદાનમાં આવશે, મુખ્ય ચૂંટણી કમિશ્નરને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું












