ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કુલગામમાં ફરી ગોળીબાર શરૂ, લશ્કર કમાન્ડર લતીફ ભટને શોધવા સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

Kulgam Encounter  :   જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફરી એકવાર અથડામણ શરૂ થઈ છે. જિલ્લાના જંગલપોરા વિસ્તારમાં ચાલી રહેલી આ અથડામણને પગલે સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન હાથ ધર્યું છે. ખાસ વાત એ છે કે, આ સ્થળ તાજેતરમાં જ્યાં આતંકી હુમલો થયો હતો ત્યાંથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે.

લશ્કરનો ટોચનો કમાન્ડર લતીફ ભટ ફસાયો હોવાની આશંકા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, માનવ ગુપ્તચર માહિતી (Human Intelligence)ના આધારે લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો ટોચનો કમાન્ડર લતીફ ભટ આ વિસ્તારમાં ફસાયો હોવાની આશંકા છે. કુલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ લતીફ ભટની શોધખોળ તેજ કરી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમ (Joint Security Team) દ્વારા આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલુ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

16 નવેમ્બરે પણ થઈ હતી અથડામણ

ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બરે પણ કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે અન્ય એક આતંકવાદી સુરક્ષાદળોના ઘેરામાં ફસાયો હોવાની માહિતી સામે આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

CRPFની ટીમ પર હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા

તાજેતરમાં કુલગામમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ની ટીમને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બારામુલ્લામાં બગીચામાંથી ત્રણ જીવતા ગ્રેનેડ મળ્યા હતા

બીજી તરફ, ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના દુર્હામા વિસ્તારમાં પણ શંકાસ્પદ વિસ્ફોટકો મળી આવવાની ઘટના સામે આવી હતી. અહીં એક બગીચામાં પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી દરમિયાન ત્રણ જૂના અને જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS)ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નિયંત્રિત વિસ્ફોટ (Controlled Explosion) દ્વારા ત્રણેય ગ્રેનેડનો સુરક્ષિત રીતે નિકાલ કર્યો હતો. કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષાદળો સતત સતર્ક છે. કુલગામમાં ચાલી રહેલી તાજેતરની અથડામણ અને સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોનું મુખ્ય ધ્યાન લતીફ ભટ સહિત અન્ય આતંકવાદીઓને ઝડપી પાડવા પર છે.

Back to top button