ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

UPI ચાર્જ મુદ્દે રાહુલ ગાંધીનો વિરોધ, ચિદમ્બરમ સહિત પાંચ સાંસદોની જૂની ભલામણ ચર્ચામાં

UPI Charges :    UPI ટ્રાન્ઝેક્શન પર લાગનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને લઈને કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ચર્ચા તેજ બની છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ નવા MDR ફ્રેમવર્કનો વિરોધ કરીને તેને ‘UPI Tax’ ગણાવ્યો છે અને સરકાર પાસે તેને પાછું ખેંચવાની માંગ કરી છે. બીજી તરફ, ઓગસ્ટમાં સંસદમાં રજૂ થયેલી નાણાકીય બાબતોની સ્થાયી સમિતિની રિપોર્ટમાં UPI માટે ટકાઉ આવક વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો

ચિદમ્બરમ સહિત પાંચ કોંગ્રેસ સાંસદો સમિતિમાં હતા

12 ઓગસ્ટ 2026ના રોજ સંસદમાં રજૂ થયેલી રિપોર્ટમાં સમિતિએ UPI માટે ટિયર આધારિત MDR (Tiered MDR) અથવા આવકનું માળખું લાગુ કરવાની ભલામણ કરી હતી. રિપોર્ટને ઝડપથી નોટિફાય કરીને અમલમાં મૂકવાની પણ વાત કરવામાં આવી હતી.

આ સમિતિમાં કોંગ્રેસના પી. ચિદમ્બરમ (P. Chidambaram), મનીષ તિવારી (Manish Tewari), ગૌરવ ગોગોઈ (Gaurav Gogoi), કિશોરી લાલ (Kishori Lal) અને કે. ગોપીનાથ (K. Gopinath) સામેલ હતા. ઉપલબ્ધ અહેવાલો અનુસાર, 12 ઓગસ્ટની બેઠકમાં આ પાંચેય સાંસદ હાજર હતા અને પ્રકાશિત કાર્યવાહી મુજબ કોઈ અસંમતિ નોંધાઈ નહોતી.

UPI માટે આવકનું મોડલ કેમ જરૂરી ગણાયું?

સંસદીય સમિતિએ UPI અને RuPay માટેની Zero-MDR Policyના કારણે ઊભા થતા ખર્ચનો મુદ્દો ઉઠાવ્યો હતો. 2026-27ના બજેટમાં આ ખર્ચને સરભર કરવા માટે ₹2,000 કરોડની જોગવાઈનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.

સમિતિનું માનવું હતું કે UPIના સતત વિસ્તરણ સાથે પેમેન્ટ સિસ્ટમને જાળવવા માટે લાંબા ગાળાની નાણાકીય વ્યવસ્થા જરૂરી છે. ખાસ કરીને Cyber Security, Fraud Prevention અને Network Infrastructure જેવા ક્ષેત્રોમાં સતત રોકાણ જરૂરી હોવાથી માત્ર સરકારી સહાય પર નિર્ભર રહેવું યોગ્ય ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું.

રાહુલ ગાંધીએ નવા MDRનો વિરોધ કર્યો

આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નવા UPI MDR ફ્રેમવર્કની ટીકા કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આ વ્યવસ્થાને ‘UPI Tax’ ગણાવી અને તેને પાછી ખેંચવાની માંગ કરી છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સંસદીય સમિતિની અગાઉની ભલામણ અને તેમાં સામેલ કોંગ્રેસ સાંસદોની ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.

₹2,000થી વધુના મર્ચન્ટ UPI પેમેન્ટ પર 0.4% MDR

સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા ફ્રેમવર્ક મુજબ, 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના ચોક્કસ Merchant UPI Transactions પર 0.4% MDR લાગુ થવાનો છે. જોકે, દરેક UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાનો નથી.

નવી વ્યવસ્થા અંગે મુખ્ય બાબતો:

  • P2P UPI ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ મફત રહેશે.

  • ₹2,000 સુધીના પાત્ર મર્ચન્ટ પેમેન્ટ પર MDR નહીં લાગે.

  • પાત્ર નાના વેપારીઓ માટે Zero-MDR વ્યવસ્થા ચાલુ રહેશે.

  • MDRને સરકાર દ્વારા વસૂલવામાં આવતો સીધો ટેક્સ ગણવામાં આવ્યો નથી.

  • MDRથી મળતી રકમ પેમેન્ટ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલી સંસ્થાઓ, જેમ કે બેન્કો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે વહેંચાશે. rs

UPI ચાર્જ મુદ્દે હવે રાજકીય ચર્ચા તેજ

એક તરફ કોંગ્રેસ નવા MDR ફ્રેમવર્કનો વિરોધ કરી રહી છે, જ્યારે બીજી તરફ સંસદીય નાણાકીય સમિતિની ઓગસ્ટની રિપોર્ટમાં UPI માટે ટકાઉ આવક મોડલ (Sustainable Revenue Model)ની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિરોધાભાસને કારણે હવે UPI ચાર્જનો મુદ્દો માત્ર ડિજિટલ પેમેન્ટ સુધી સીમિત ન રહેતા રાજકીય ચર્ચાનો પણ મહત્વનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : રશિયા સાથેની દોસ્તી ભારતને પડશે ભારે? અમેરિકાના નવા બિલથી 100% ટેરિફનો ખતરો, જાણો સમગ્ર મામલો

Back to top button