સત્ય નિકેતનના ડર વચ્ચે કોલેજ બની વિદ્યાર્થીઓનો સહારો, એક જ રાતે 72એ લીધો આશરો

Student Shelter : સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના (Building Collapse) બાદ દક્ષિણ દિલ્હીના અનેક કોલેજોએ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. શ્રી વેંકટેશ્વર કોલેજ, રામલાલ આનંદ કોલેજ અને શહીદ ભગતસિંહ કોલેજ સહિતની સંસ્થાઓએ આસપાસના PGમાં રહેતા અને ડરેલા વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી છે.
કોલેજોએ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને ક્લાસરૂમમાં રહેવાની જગ્યા ઉપલબ્ધ કરાવી છે. સાથે જ ભોજન તથા જરૂરી સુવિધાઓ માટે કોલેજ કેન્ટીન (College Canteen)નો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
72 વિદ્યાર્થીઓએ કોલેજમાં લીધી શરણ
સત્ય નિકેતન દુર્ઘટનાની અસર સૌથી નજીક આવેલી શ્રી વેંકટેશ્વર કોલેજે રવિવાર સાંજથી જ વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા શરૂ કરી હતી.
આસપાસના PGમાં રહેતા વિદ્યાર્થીઓને આશરો આપવા માટે કોલેજે 10 રૂમ ખાલી કરાવીને તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં, કોલેજના પ્રિન્સિપાલ વી. રવિ સહિત સ્ટાફના સભ્યોએ પણ વિદ્યાર્થીઓ સાથે કોલેજમાં જ રાત વિતાવી હતી.
પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે કુલ 46 વિદ્યાર્થીઓ અને 26 વિદ્યાર્થીનીઓએ કોલેજમાં આશરો લીધો હતો. આ તમામ વિદ્યાર્થીઓ ધરાશાયી થયેલી ઈમારતની આસપાસ આવેલા PGમાં રહેતા હતા અને દુર્ઘટના બાદ ભારે ગભરાયેલા હતા.
અન્ય કોલેજના વિદ્યાર્થીઓને પણ મળશે જગ્યા
કોલેજ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી યુનિવર્સિટી (Delhi University)ની કોઈપણ કોલેજમાં અભ્યાસ કરતા હોય કે અન્ય સંસ્થામાં ભણતા હોય, પરંતુ સત્ય નિકેતનમાં રહેતા વિદ્યાર્થીઓ જરૂર પડે ત્યારે કોલેજમાં આવીને રોકાઈ શકે છે.
વિદ્યાર્થીઓને મદદ કરવા માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત સ્ટુડન્ટ વોલન્ટિયર્સ (Student Volunteers) પણ દિવસ-રાત કામ કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘અકસ્માત બાદ ખૂબ ડરી ગયા હતા’
બિહારની રહેવાસી અને સત્ય નિકેતનના PGમાં રહેતી શાંભવીએ જણાવ્યું કે ઈમારત ધરાશાયી થયા બાદ તે અને તેના સાથી વિદ્યાર્થીઓ ખૂબ ડરી ગયા હતા. આ કારણે તેણે રાત્રે કોલેજમાં આવીને રહેવાનું પસંદ કર્યું. તેણે PGમાં સલામતી અને સુવિધાઓના નિયમોનું કડક પાલન થવું જોઈએ તેવી માંગ પણ કરી.
આગ્રાની રહેવાસી લક્ષિતાએ પણ જણાવ્યું કે દુર્ઘટના બાદ તેના પરિવારજનો ખૂબ ચિંતિત હતા અને તેને પણ ડર લાગી રહ્યો હતો. તેથી તે કોલેજમાં રહેવા આવી હતી. તેણે PG સંચાલકો સામે સવાલ ઉઠાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે, પરંતુ ઘણી વખત જરૂરી સુવિધાઓ આપવામાં આવતી નથી.
સત્ય નિકેતન દુર્ઘટના બાદ કોલેજોની આ પહેલે મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓને માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ આ મુશ્કેલ સમયમાં સુરક્ષા અને માનસિક સહારો પણ આપ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રિક્ષા હડતાળનો ડંકો, મુસાફરોની હાલત કફોડી; કાલુપુરથી શેલા ₹2500!











