ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગંગા કિનારે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભીષણ અથડામણ, ત્રણ ઠાર

Ganga Kinare Encounter : બિહારની રાજધાની પટનામાં ગંગા નદીના કિનારે પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ત્રણ ગુનેગારોનાં મોત થયાં છે. શુક્રવારે મોડી રાત્રે મણેર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુરમાં આ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન બંને તરફથી 40થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં મણેરના થાનાધ્યક્ષ (SHO)ને હાથમાં ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા હતા. મૃતક ગુનેગારોની ઓળખ જેપી યાદવ, બબલુ કુમાર અને રાજા શર્મા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ રહ્યો છે.

ગંગા કિનારે મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા ગુનેગારો

પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ને બાતમી મળી હતી કે શેરપુરમાં ગંગા નદીના કિનારે અડધો ડઝનથી વધુ ગુનેગારો એકઠા થયા છે. તેઓ કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા. આ માહિતી મળતાં જ STF અને મણેર પોલીસની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારને ઘેરીને દરોડા પાડ્યા હતા.

આ દરમિયાન ગુનેગારોએ પોલીસ ટીમ પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગમાં મણેરના થાનાધ્યક્ષના હાથમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે પણ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો.

40થી વધુ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ ગુનેગારોનાં મોત

પટનાના એસએસપી કાર્તિકેય શર્માએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી 40થી વધુ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસ તરફથી 18 રાઉન્ડ જ્યારે ગુનેગારો તરફથી અંદાજે 24થી 25 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની જવાબી કાર્યવાહીમાં ત્રણેય ગુનેગારો માર્યા ગયા હતા.

ઘટનાસ્થળેથી બે પિસ્તોલ, એક દેશી કટ્ટો અને કારતૂસ સહિતનો હથિયારનો જથ્થો મળી આવ્યો છે. જોકે, કેટલાક ગુનેગારો અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

મણેર હત્યા કેસમાં પણ વોન્ટેડ હતા ત્રણેય આરોપીઓ

એસએસપી કાર્તિકેય શર્માના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય ગુનેગારોનો અગાઉથી ગુનાહિત રેકોર્ડ હતો. તાજેતરમાં મણેરમાં અષ્ટમીના દિવસે થયેલી હત્યાની ઘટનામાં પણ તેમની સંડોવણી સામે આવી હતી. આ કેસમાં ત્રણેય આરોપીઓ વોન્ટેડ હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઉપરાંત દાનાપુર અને શાહપુર સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં પણ તેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ફરાર ગુનેગારોને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરી આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન: અમરેલી બન્યું રાજ્યનું સૌથી ઠંડું શહેર, નલિયાને પણ પાછળ છોડ્યું

Back to top button