ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન: અમરેલી બન્યું રાજ્યનું સૌથી ઠંડું શહેર, નલિયાને પણ પાછળ છોડ્યું

હવામાન વિભાગે દેશનાં 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ ગુજરાતનો તેમાં સમાવેશ નથી. બીજી તરફ, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ફેરફાર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમરેલીમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં તે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતને રાહત
હવામાન વિભાગ દ્વારા દેશનાં 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, તમિલનાડુ સહિત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.
જોકે, આ હવામાન એલર્ટમાં ગુજરાતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 20થી 21 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
અમરેલીમાં 17.4 ડિગ્રી તાપમાન, નલિયાને પાછળ છોડ્યું
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી ધીમે ધીમે જોર પકડી રહી છે. સતત બીજા દિવસે અમરેલી, નલિયા, રાજકોટ, જૂનાગઢ, કેશોદ અને મહુવા સહિતનાં શહેરોમાં ઠંડીનો અહેસાસ થયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે રાજ્યનાં સૌથી ઠંડાં સ્થળોમાં ગણાતા નલિયાને પાછળ છોડીને અમરેલી આજે સૌથી ઠંડું શહેર બન્યું છે.
વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન:
- અમરેલી: 17.4 ડિગ્રી
- નલિયા: 17.7 ડિગ્રી
- મહુવા અને કંડલા: 18.7 ડિગ્રી
- રાજકોટ: 19 ડિગ્રી
- જૂનાગઢ અને કેશોદ: 19.7 ડિગ્રી
- પોરબંદર: 20 ડિગ્રી
- દીવ: 21.6 ડિગ્રી
- સુરેન્દ્રનગર અને ભાવનગર: 21.8 ડિગ્રી
- દ્વારકા: 24.2 ડિગ્રી
- વેરાવળ: 24.6 ડિગ્રી
- ઓખા: 25.1 ડિગ્રી
શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનો વધુ અનુભવ
છેલ્લા 24 કલાકમાં અમરેલી, પોરબંદર, કેશોદ અને જૂનાગઢમાં લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે ઓખા, દીવ અને રાજકોટમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.
તાપમાનનો પારો નીચે જતાં સવાર અને સાંજના સમયે ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. ખાસ કરીને શહેરોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પરિણામે વહેલી સવારે અને મોડી સાંજે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની જરૂર પડી રહી છે. જોકે, મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી.
કચ્છમાં શિયાળાના આગમનના એંધાણ
કચ્છમાં પણ શિયાળાની શરૂઆતનાં એંધાણ જોવા મળી રહ્યાં છે. મોડી રાતથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. ઠંડા પવનોને કારણે લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
વહેલી સવારે ઠંડક વધતાં મોર્નિંગ વોક અને જોગિંગ માટે બહાર નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જોકે, હજુ સુધી એટલી કડકડતી ઠંડી શરૂ થઈ નથી કે લોકોને પંખા બંધ કરવાની ફરજ પડે.
આ પણ વાંચો: ચીનમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ, લદ્દાખ સરહદ નજીક કેન્દ્રબિંદુ; જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ધરતી ધ્રૂજી












