સસલાનું કહી આખા ગામમાં કુતરાનું માંસ વેચ્યું, પછી બીજા દિવસે પોતે જ….મોતીહારીમાં દારુડિયાની ગજબ કરતૂત

બિહારના મોતીહારીમાં, એક યુવકે એવી હરકત કરી કે જાણીને તમે પણ ચોંકી જશો. યુવકને દારૂ પીવો હતો પણ તેની પાસે પૈસા નહોતા. હવે, સવાલ એ હતો કે દારૂ લાવલો તો લાવવો ક્યાંથી? પછી તેના ખુરાફાતી દિમાગમાં એક પ્લાન આવ્યો. પહેલા યુવકે એક કૂતરાને મારી નાખ્યો અને તેના ઘણા ટુકડા કર્યા. પછી તે આખા ગામમાં ફર્યો અને બધાને કહ્યું કે તેની પાસે સસલાનું માંસ છે. લોકો પણ તેની વાતોમાં આવી ગયા અને તેની પાસેથી માંસ ખરીદ્યું. પરંતુ માંસ ખાધા પછી, ગામમાં ઘણા લોકોની તબિયત બગડવા લાગી, જે પછી યુવાનની આ ઘૃણાસ્પદ હરકત સામે આવી. આખું ગામ ગુસ્સાથી ભરાઈ ગયું.
આ ઘટના મધુબન બ્લોકના ગઢિયા ગામમાં બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં રહેતો મંગરુ સાહની નામનો એક યુવક દારૂનો વ્યસની છે. તે ઘણીવાર નશામાં લોકો સાથે ઝઘડો કરે છે અને તેમને છેતરે પણ છે. પરંતુ આ વખતે મંગરુએ કઈક અલગ જ કર્યું, તેણે એક કૂતરાને પકડીને મારી નાખ્યો. ત્યારબાદ તેણે કૂતરાનાના ટુકડા કરી નાખ્યા અને બધાને કહ્યું- આ સસલાનું માંસ છે. તે આખા ગામમાં ફરીને માંસ વેચવા લાગ્યો. મંગરૂને લાગ્યું, શિયાળો હોવાથી ઠંડીમાં લોકો માંસ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે અને તેમાંય જો સસલાનું મળી જાય તો તો જલસો પડી જાય, તેવામાં ગામમાં ઘણા લોકોએ મંગરૂ પાસેથી માંસ ખરીદ્યું. મંગરૂએ માંસ લગભગ 1,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યું, આમ મંગરૂએ ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યા અને ત્યારબાદ જઈને દારૂ પીધો.
લોકોની તબિયત બગડવા લાગી
ગામલોકોએ કહ્યું કે માંસ ખાધાના કલાકોમાં જ ઘણા લોકોની તબિયત બગડવા લાગી. કેટલાકને ઉલટી અને ઝાડાની ફરિયાદ થઈ તો કેટલાકને પેટમાં દુખાવો ઉપડ્યો. કેટલાક બાળકોની હાલત પણ બગડી. શરૂઆતમાં, લોકો સમજી ના શક્યા કે તેમની તબિયત અચાનક આટલી કેમ બગડી રહી છે. પછી, બીજા દિવસે, મંગરુ પોતે ગામમાં ફર્યો અને બધાને કહ્યું કે તેણે તેમને સસલાનું નહીં પણ કૂતરાનું માંસ વેચ્યું હતું. આ સાંભળી બધા ચોંકી ગયા.
મંગરુ લોકોને ધમકાવવા લાગ્યો
જ્યારે ગામલોકોએ તેની આ હરકતનો વિરોધ કર્યો, ત્યારે તે તેમને ધમકાવવા લાગ્યો. પછી ત્યાંથી ભાગી ગયો. બાદમાં, ગામલોકોએ તપાસ કરી તો એક ખેતરમાં કૂતરાનું કપાયેલું માથું અને પગના હાડકાં મળી આવ્યા. કૂતરાના અવશેષો મળી આવતા લોકોનો શક વિશ્વાસમાં બદલાઈ ગયો અને સ્પષ્ટ થઈ ગયુ કે ખાધુ એ કુતરાનું જ માંસ હતું. આનાથી ગામમાં વ્યાપક આક્રોશ ફેલાયો, અને પીડિત પરિવારોએ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગઢિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી.
ઘટના બાદ ગ્રામજનોમાં રોષ
ગ્રામજનોના જણાવ્યા મુજબ, મંગરુએ આશરે 15 લોકોને માંસ ખવડાવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ગુસ્સો અને ભય ફેલાયો છે. લોકો આરોપીની ધરપકડ અને કડક સજાની માંગ કરી રહ્યા છે. ગઢિયા પોલીસ સ્ટેશનના અધિકારી આદિત્ય કુમારે જણાવ્યું કે, “આ મામલો શંકાસ્પદ છે અને તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ, કેસ દાખલ કરવામાં આવશે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.” પોલીસ હાલમાં સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની પોતાની સમિતિએ નિર્ણયને નકારી કાઢ્યો હતો, શું છે 100 મીટર અરવલ્લીની વ્યાખ્યા?












