આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફૂડબિઝનેસમીડિયાહેલ્થ

પાકિસ્તાનમાં એક કરોડથી વધુ લોકો બની શકે છે ભૂખમરાંનો ભોગઃ યુએનનો રિપોર્ટ

નવી દિલ્હી, 19 મે, 2025: સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય તેમજ કૃષિ સંગઠન (એફએઓ)ના એક તાજા અહેવાલમાં જણાવ્યું છે કે નવેમ્બર 2024થી માર્ચ 2025 સુધી પાકિસ્તાનમાં ભૂખમરાંની સ્થિતિ બની રહેશે. રિપોર્ટના અનુસાર આશરે 1.1 કરોડ લોકોને આ ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. એવી જાણકારી પાકિસ્તાની અખબાર ડૉનમાં આપવામાં આવી છે.

પાકિસ્તાનના 68 ગ્રામીણ જિલ્લાઓની 22 ટકા વસ્તી ગંભીર ભૂખમરાનો સામનો કરી શકે છે

FAOના ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસ-2025’ અનુસાર, પાકિસ્તાનના 68 ગ્રામીણ જિલ્લાઓની 22 ટકા વસ્તી ગંભીર ભૂખમરાંના સંકટનો સામનો કરી શકે છે. આમાં ખાસ કરીને પૂરગ્રસ્ત બલુચિસ્તાન, સિંધ અને ખૈબર પખ્તુનખ્વાનો સમાવેશ થાય છે. તેમાંથી 17 લાખ લોકો કટોકટીની સ્થિતિમાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યારે 2024માં ભૂખમરાંની સ્થિતિનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે તેમાં 3.67 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ 2025માં, તેમાં 5.08 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં 25 વધુ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારે હવામાન પરિસ્થિતિઓ (જેમ કે પૂર, દુષ્કાળ) લોકોના જીવનનિર્વાહને અસર કરશે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં પરિસ્થિતિ થોડી સારી રહેશે.

પૂરતા ભંડોળના અભાવે પોષણ સેવાઓની પહોંચ પણ મર્યાદિત રહી

2023થી 2024ની વચ્ચે, પાકિસ્તાનમાં લગભગ 1.18 કરોડ લોકો તીવ્ર ખાદ્ય અસુરક્ષાથી પીડાતા હતા, જે 2024માં ટોચ પર હતી. 2018થી 2024ની શરૂઆત સુધી, બલુચિસ્તાન અને સિંધમાં તીવ્ર કુપોષણના કેસોની સ્તર સતત ઊંચા રહ્યુ હતુ. ઘણાં જિલ્લાઓમાં વૈશ્વિક તીવ્ર કુપોષણ (GAM)સ્તર 10%થી વધુ હતું અને કેટલાકમાં 30%થી વધુ હતું. પૂરતા ભંડોળના અભાવે પોષણ સેવાઓની પહોંચ પણ મર્યાદિત રહી હતી. 2025માં આબોહવા પ્રેરીત આફતો અને ગંભીર ખાદ્ય કટોકટી કુપોષણની પહેલેથી જ ભયાનક પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

2023-24ના શિયાળામાં 1.18 કરોડ લોકો તીવ્ર ખાદ્ય અસુરક્ષાથી પીડાતા હતા

અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર, 2023-24ના શિયાળામાં (નવેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધી) 1.18 કરોડ લોકો તીવ્ર ખાદ્ય અસુરક્ષાથી પીડાતા હતા, જેમાંથી 22 લાખ લોકો ‘કટોકટી’ સ્થિતિમાં હતા. માર્ચ 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન, 6 મહિનાથી 5 વર્ષની વયના 21 લાખ બાળકો કુપોષણનો સામનો કરી રહ્યા હતા. બાળકોને આપવામાં આવતો ખોરાક ગુણવત્તા અને માત્રા બંને રીતે ખરાબ હતો. શિયાળામાં જ્યારે ખાદ્યપદાર્થોના ભાવ વધે છે અને બજારોમાં પહોંચી શકતા નથી ત્યારે આ પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે.

ખાદ્યપદાર્થોની અછત 2025માં પહેલાથી જ ગંભીર કુપોષણને વધુ ખરાબ કરી શકે છે

સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ પણ ઊંચું હતું, જેના કારણે ખાસ કરીને સિંધ અને ખૈબર પખ્તુનખ્વામાં ઓછા વજનવાળા બાળકોના જન્મની ઘટનાઓ વધી હતી. શિયાળા દરમિયાન ઝાડા, શ્વસન રોગ અને મેલેરિયાના કેસોમાં વધારો થયો હતો. પૂરને પગલે સ્વચ્છ પાણી અને શૌચાલયની સુવિધાઓ પણ ઘટી ગઈ છે. સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં આરોગ્ય સેવાઓની પહોંચ અવરોધિત રહી હતી. રસ્તાઓ બંધ થવા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિનો અભાવ મુખ્ય કારણો હતા. વધુમાં, ભંડોળના અભાવે પોષણ સેવાઓની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આબોહવા સંકટ અને ખાદ્યપદાર્થોની અછત 2025માં પહેલાથી જ ગંભીર કુપોષણને વધુ ખરાબ કરી શકે છે.

આ પણ વાંચોઃ દ્વિપીક્ષીય વેપાર શરતો માટે પોતાના લાભ પસંદ ન કરી શકે બાંગ્લાદેશ

Back to top button