વારંવાર સાંભળાતા શબ્દો મોનસૂન ટ્રફ, ડિપ્રેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશન શું છે? જાણો વરસાદ પાછળનું વિજ્ઞાન

Monsoon Trough: ચોમાસા દરમિયાન હવામાન વિભાગની આગાહી સાંભળતા આપણે વારંવાર મોનસૂન ટ્રફ, લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ-શોર ટ્રફ જેવા શબ્દો સાંભળીએ છીએ, પરંતુ આ ટેકનિકલ શબ્દોનો અર્થ શું છે અને તે આપણા વિસ્તારમાં વરસાદને કેવી રીતે અસર કરે છે, તે બહુ ઓછા લોકોને ખબર હોય છે. સરળ ભાષામાં સમજો કે આ તમામ હવામાન પ્રણાલીઓ કેવી રીતે કામ કરે છે.
1. મોનસૂન ટ્રફ (Monsoon Trough) શું છે?
મોનસૂન ટ્રફ એટલે નીચા દબાણની લાંબી પટ્ટી, જે સામાન્ય રીતે ઉત્તર ભારતથી લઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલી હોય છે. સરળ ભાષામાં કહીએ તો આ એવી હવામાન લાઇન છે, જે ભેજવાળા પવનોને પોતાની તરફ ખેંચે છે. જ્યાં ટ્રફ સક્રિય હોય છે, ત્યાં વરસાદની શક્યતા વધી જાય છે.
અસર શું થાય?
સતત વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, અનેક જિલ્લાઓમાં એકસાથે વરસાદી માહોલ
2. લો પ્રેશર (Low Pressure Area) શું છે?
જ્યારે કોઈ વિસ્તારમાં હવાનું દબાણ આસપાસના વિસ્તારો કરતાં ઓછું થઈ જાય, ત્યારે તેને લો પ્રેશર એરિયા કહેવામાં આવે છે. આ નીચા દબાણને કારણે દરિયા તરફથી ભેજવાળા પવનો ઝડપથી અંદર તરફ ખેંચાય છે, જેના કારણે વરસાદ શરૂ થાય છે.
અસર
સામાન્યથી મધ્યમ વરસાદ, વરસાદી સિસ્ટમની શરૂઆત
3. ડિપ્રેશન (Depression) શું છે?
જો લો પ્રેશર વધુ મજબૂત બને અને તેની આસપાસના પવનોની ઝડપ વધે, તો તે ડિપ્રેશનમાં ફેરવાય છે. આ સ્થિતિમાં વરસાદ વધુ વ્યાપક અને ભારે બને છે.
અસર
ભારે વરસાદ, તેજ પવન, નદીઓ અને ડેમમાં પાણીની આવક વધવી
4. ડીપ ડિપ્રેશન (Deep Depression) શું છે?
ડિપ્રેશન વધુ શક્તિશાળી બને ત્યારે તેને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે. હવામાન વિભાગના માપદંડ મુજબ જ્યારે પવનની ઝડપ અંદાજે 31થી 61 કિમી પ્રતિ કલાક વચ્ચે પહોંચી જાય અને દબાણ વધુ ઘટે, ત્યારે આ સ્થિતિ સર્જાય છે. આ વાવાઝોડા પહેલાંનો મહત્ત્વનો તબક્કો માનવામાં આવે છે.
અસર
ભારેથી અતિ અતિભારે વરસાદ, ખૂબ જ તેજ પવન, વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા, પૂર અને જળબંબાકાર, રસ્તાઓ અને રેલવે સેવા પ્રભાવિત
5. સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) શું છે?
સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે નીચા દબાણની આસપાસ ગોળાકાર રીતે ફરતા પવનો, ઉત્તર ગોળાર્ધમાં આ પવનો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ સિસ્ટમ ભેજને એકત્ર કરીને વાદળો બનાવે છે અને વરસાદને પ્રોત્સાહન આપે છે.
અસર
એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, ભારે વરસાદની શક્યતા વધે
6. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) શું છે?
આ સિસ્ટમ જમીન પર નહીં, પરંતુ વાતાવરણના ઉપરના સ્તરોમાં બને છે. ઉપરના સ્તરે ફરતા ચક્રાકાર પવનો નીચેની હવામાં અસ્થિરતા ઊભી કરે છે, જેના કારણે વાદળો ઝડપથી વિકસે છે.
અસર
અચાનક ભારે વરસાદ, ગાજવીજ, વાવાઝોડા જેવી સ્થિતિ
7. ઓફ-શોર ટ્રફ (Off-Shore Trough) શું છે?
ઓફ-શોર ટ્રફ એટલે દરિયાકાંઠાની નજીક અરબી સમુદ્રમાં બનતી નીચા દબાણની લાંબી પટ્ટી. ભારતના પશ્ચિમ કિનારે આ સિસ્ટમ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.
અસર
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કોંકણ વિસ્તારમાં સતત વરસાદ, ઘણા દિવસો સુધી વરસાદી માહોલ
કઈ સિસ્ટમ સૌથી વધુ ખતરનાક?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જ્યારે મોનસૂન ટ્રફ, ઓફ-શોર ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન જેવી બે કે તેથી વધુ સિસ્ટમો એકસાથે સક્રિય થાય છે, ત્યારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા અનેકગણી વધી જાય છે. આવી સ્થિતિમાં પૂર, ભૂસ્ખલન, નદીઓમાં પૂર અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.












