ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat: ગેસ અછતની અસર મધ્યાહન ભોજન પર નહીં પડે, કલેક્ટરોને તાત્કાલિક સૂચના

PM Poshan Scheme: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધસમાન પરિસ્થિતિની અસર હવે ગુજરાત સુધી પહોંચી છે. વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ઉભી થયેલી અસ્થિરતાના કારણે એલપીજી (LPG) ગેસના પુરવઠા પર દબાણ સર્જાયું છે, જેના કારણે કેટલીક સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન બનાવવામાં મુશ્કેલીઓ ઉભી થવાની સ્થિતિ સામે આવી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી છે.

PM પોષણ યોજનાના સંયુક્ત કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે શાળાઓ અને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે એલપીજી ગેસનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે અને કોઈપણ વિક્ષેપ વિના સુનિશ્ચિત કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે શાળામાં ભણતા બાળકોને નિયમિત ભોજન પહોંચાડવું પડે એ કાયદા પ્રમાણે ફરજ છે. યુદ્ધની અસરને કારણે બાળકો ભૂખ્યા ન રહે તે માટે તાત્કાલિક પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

13 માર્ચ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે PM પોષણ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 અંતર્ગત અમલમાં છે. આ કાયદા મુજબ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને નિયમિત અને પૌષ્ટિક ભોજન પહોંચાડવું રાજ્ય સરકારની કાનૂની જવાબદારી છે. તેથી કોઈપણ સંજોગોમાં શાળાઓમાં રસોઈ બંધ ન થાય તેની ખાતરી કરવા તાકીદ કરવામાં આવી છે.

midday meal Gujarat

નોંધનીય છે કે, રાજ્યની મોટાભાગની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન એલપીજી ગેસ પર તૈયાર કરવામાં આવે છે. જ્યારે કેટલીક એનજીઓ સંચાલિત શાળાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન મારફતે ભોજન બનાવીને અનેક શાળાઓમાં પહોંચાડવામાં આવે છે. હાલ વૈશ્વિક પરિસ્થિતિને કારણે ગેસ પુરવઠામાં વિક્ષેપ થવાની શક્યતા ઉભી થતાં ગેસ એજન્સીઓને PM પોષણ યોજનાના તમામ કેન્દ્રોને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જિલ્લા પુરવઠા અધિકારીઓને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સેન્ટ્રલાઈઝ્ડ કિચન માટે જરૂરી ઇંધણના જથ્થામાં કોઈ અડચણ ન આવે તેની ખાતરી કરવા તાકીદ કરવામાં આવી છે. સાથે જ શિક્ષણ વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓને પણ આ અંગે માહિતી આપી જરૂરી સમન્વય કરવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 11 માર્ચે આણંદ જિલ્લાના આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માંગ કરવામાં આવી હતી. શાળાના મધ્યાહન ભોજન માટે ગેસની અછત ઉભી થવાની શક્યતા દર્શાવી ગેસ એજન્સીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે છ રાંધણગેસ સિલિન્ડરની ફાળવણી કરવાની માંગણી કરવામાં આવી હતી.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાંથી આવી સમસ્યાની સંભાવના સામે આવતા સરકાર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને મળતું મધ્યાહન ભોજન અવિરત ચાલુ રહી શકે અને બાળકોના પોષણ પર કોઈ અસર ન પડે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવની ઊંઝા મસાલા બજાર પર માઠી અસર

Back to top button