ભરૂચમાં મનરેગા કૌભાંડ: 4 દિવસ પહેલા સરપંચ બનેલા હીરા જોટવાના પુત્ર દિગ્વિજયની ધરપકડ

ભરૂચ 27 જૂન 2025: ભરૂચ જિલ્લામાં ₹1.29 કરોડના મનરેગા કૌભાંડ મામલે સતત ધમધમતી કાર્યવાહી વચ્ચે પોલીસે ત્રીજી મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે કોંગ્રેસના આગેવાન હીરા જોટવા અને તાલુકા વિકાસ કચેરીના ક્લાર્ક રાજેશ ટેલરની ધરપકડ બાદ, આજે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાને પણ પોલીસે ઝડપી લીધો છે.
દિગ્વિજય જોટવા તાજેતરમાં સુપાસી ગ્રામ પંચાયતમાંથી ચૂંટાઈને સરપંચ બન્યા હતા. બે દિવસ પહેલા જ તેમની જીતની ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પરંતુ આજની ધરપકડ બાદ આ ઉજવણી પર છાંટા ઉડ્યા છે. દિગ્વિજયને પકડીને પોલીસે હવે તેમને ભરૂચ લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
મનરેગા યોજના હેઠળ થયેલા આ કૌભાંડમાં બિનહકિકત કામો બતાવીને કરોડો રૂપિયા ગવર્મેન્ટના ફંડ માંથી પચાવી પાડ્યા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કૌભાંડમાં વધુ લોકો સામેલ હોઈ શકે છે અને દિગ્વિજય જોટવા પાસેથી મળેલી માહિતીના આધારે વધુ ધરપકડો થઈ શકે છે.
અત્યાર સુધીમાં થયેલી ત્રણ મહત્વપૂર્ણ ધરપકડો એ દર્શાવે છે કે રાજ્ય સરકારે માનવ શક્તિથી ખેડૂતો અને શ્રમિકો માટેની યોજનામાં ભ્રષ્ટાચાર કરતા તત્વો સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો છે. ભરૂચ જિલ્લાના રાજકીય અને વહીવટી વર્તુળમાં આ ઘટનાથી ભારે ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: આદિવાસી યુવકને નિર્વસ્ત્ર કરી માર મારવાના આરોપમાં પોલીસકર્મી વિરુદ્ધ મોટી કાર્યવાહી!












