અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ભરૂચ: પોલીસની કામગીરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના દબાણમાં પોલીસે પગલું ભર્યું: AAP

8 જુલાઇ 2025 ભરૂચ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રાંત કચેરીએ થયેલા વિવાદનાં કેસમાં કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઝઘડિયા વિધાનસભા પ્રભારી સંદીપ ભાઈ વસાવા, અંકલેશ્વર પ્રભારી નીતિન વસાવા સહીત આદિવાસી સંગઠનો, આદિવાસી નેતાઓ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભરૂચ ખાતે કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યા હતા.

જન પ્રતિનિધિને મિટિંગમાં પોતાની વાત રજૂ કરતા રોક્યા
આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે હકીકતમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. પોલીસની કામગીરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના દબાણમાં પોલીસ તંત્રએ આ પગલું ભર્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને આદિવાસી સમાજના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જનતા દ્વારા ચૂંટવામાં આવેલ જન પ્રતિનિધિ જો મિટિંગમાં પોતાની વાતની રજૂઆત ન કરી શકે અને રજૂઆત કરતા પણ તેમને રોકવામાં આવે તો એ ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા છે.

મનરેગા જેવા અનેક ભ્રષ્ટાચારો દબાવવાનો પ્રયાસ
પ્રમુખે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પેસા એક્ટ અને એફઆરએ એક્ટના અમલ ન થવાના કારણે જે ખનીજ ચોરી થઈ રહી છે, આ સિવાય મનરેગા જેવા અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તેના વિરુદ્ધ આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે સરકાર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તંત્રના આ પગલાને સખત શબ્દોમાં વખોડે છે અને સરકાર સામે માંગણી કરે છે કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરનાર અધિકારીઓ વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવે અને આ સમગ્ર ઘટનાની ઊંડી તપાસ કરવામાં આવે

Back to top button