કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં બે દિવસથી મુંબઇની સાથે જ મેઘરાજાની હાજરી

ભુજ. 16 જૂન 2025: Rain સતત વરસાદ ઝંખતા કચ્છ જિલ્લામાં મુંબઇની સાથે જ મેઘરાજા ભીંજવતા હોય તેમ બે દિવસથી જિલ્લાના વિવિધ ભાગોમાં ઝાપટા પડી રહ્યા છે. રવિવારે પૂર્વ કચ્છના વાગડના મુખ્ય મથક રાપર વિસ્તારમાં 3 ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. તો, સોમવારે પશ્ચિમ કચ્છના નખત્રાણા, માંડવી તાલુકાના ગામડાઓમાં વરસાદ થતાં વહી નીકળ્યા હતા.
શનિવારે રાત્રિથી જુદા જુદા તાલુકામાં મેઘસવારી આવી પહોંચી
સપ્તાહના અંતિમ દિવસોમાં કચ્છમાં લોકો ભારે બફારાથી અકળાઇ ગયા હતા. ભેજનું પ્રમાણ વધારે હોવાના લીધે જિલ્લાવાસીઓ પરસેવાથી નહાઇ જતા હતા. દરમિયાન શનિવારે રાત્રિથી જુદા જુદા તાલુકામાં મેઘસવારી આવી પહોંચી હતી. રાપરમાં દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. રાપર ઉપરાંત ખડીર, બાલાસર, રવ પંથકના ગામો પણ ભિંજાયા હતા. ગાજવીજ સાથે રાત વચ્ચે વરસાદ થયો હતો પરંતુ ખાસ કંઇ નુકસાન ન થતાં હાશકારો થયો હતો.
વાંઢાયમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
ત્યારબાદ મેઘસવારી પશ્ચિમ કચ્છના નખત્રાણા અને માંડવી પંથકમાં પહોંચી હતી. વાંઢાયમાં અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બીજી તરફ રવિવારે ભુજ શહેરના ઉપરવાસના ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેતાં શહેરના હ્રદયસમા રાજાશાહી તળાવ હમીરસરની આવ શરૂ થઇ હતી. લોકો મોટા બંધમાં આવતું ધોધભેર પાણી જોઇને આશ્ચર્ય પામ્યા હતા. કારણ કે, ભુજ શહેરમાં ખાસ કંઇ વરસાદ નોંધાયો ન હતો.

સોમવાર બપોર બાદ જુદા જુદા ગામોમાં વરસાદની હેલી
સોમવારે બપોર બાદ મુન્દ્રા, ભોરારા, બાગ, લુડવા, આદિપુર, પીપરી અને ભુજ તાલુકાના કુરબઇ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ અને તાપ બાદ વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, કચ્છમાં નિયમિત અને સચરાચરો વરસાદ થાય તો તળાવો અને જળાશયો ભરાઇ જાય તો પાણીની સમસ્યા દૂર થઇ શકશે.
આ પણ વાંચો: દ.ગુજરાતમાં ચોમાસાનું વિધિવત્ આગમન, જાણો કયા કેટલો પડ્યો વરસાદ
આ પણ વાંચો: iPone  હવે વધુ INDIAN: ફોનમાં ભારતીય પાર્ટસનો 20% વધુ ઉપયોગ

Back to top button