એમબીએ માટે 20 લાખ ખર્ચ્યા બાદ મળે છે માત્ર 25 હજાર પગાર, જાણો બિઝનેસ સ્કૂલોની આવી કેમ થઈ હાલત

મુંબઈ, તા. 10 જુલાઈ, 2025: જો તમે વિચારી રહ્યા છો કે એમબીએ કરીને કરિયર સેટ થઈ જશે, તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે. તગડી ફી અને બે વર્ષની સખત મહેનત પછી મળતો સેલરી પેકેજ વિદ્યાર્થીઓને આઘાત આપી રહ્યો છે. ઘણા યુવાનો બિઝનેસ સ્કૂલોમાંથી રૂ. 20-22 લાખ ખર્ચીને એમબીએની ડિગ્રી મેળવે છે અને તેમને દર મહિને રૂ. 20-25 હજાર પગારવાળી નોકરી મળે છે.
AICTE ના વર્ષ 2024 ના અહેવાલ મુજબ, દેશમાં લગભગ 35 ટકા એમબીએ ગ્રેજ્યુએટ બેરોજગાર અથવા અન્ડર એમ્પ્લોયડ છે. MBAUnivers.com અનુસાર, દેશમાં નોન-આઈઆઈએમમાંથી એમબીએ કરનારા વિદ્યાર્થીઓનો સરેરાશ પગાર વાર્ષિક રૂ. 3 થી 5.5 લાખની વચ્ચે છે.
એમબીએના સપનાને એક સમયે કોર્પોરેટની શાનનો માર્ગ કહેવામાં આવતો હતો. પરંતુ હવે તે વિદ્યાર્થીઓ માટે એક ઝાળ જેવું બની ગયું છે. એજ્યુકેશન લોન લઈને એમબીએ કર્યા પછી જે નોકરી મળે છે, તેના પગારથી બેંગલુરુ જેવા મોંઘા શહેરમાં રહેવું મુશ્કેલ છે. દેવું ચૂકવી શકવાની તો વાત જ શું કરવી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, AICTE અને NIRF રેન્કવાળા સંસ્થાઓના આંકડાઓનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે વર્ષ 2024 માં ટિયર-2 અને ટિયર-3 બિઝનેસ સ્કૂલોમાંથી એમબીએ કરનારા 35 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાના છ મહિના પછી પણ બેરોજગાર રહ્યા અથવા અન્ડર એમ્પ્લોયડ રહ્યા હતા.
AICTE ના વર્ષ 2023 ના અહેવાલ મુજબ, ભારતમાં 3 હજારથી વધુ બિઝનેસ સ્કૂલો છે જ્યાંથી દર વર્ષે 3.75 લાખથી વધુ એમબીએ ડિગ્રી ધારકો નીકળે છે. એસ્પાયરિંગ માઈન્ડ્સ (હવે એસએચએલ) ના એમ્પ્લોયબિલિટી રિપોર્ટ અનુસાર, ભારતના બિઝનેસ સ્કૂલોમાંથી નીકળતા એમબીએ ગ્રેજ્યુએટમાંથી ફક્ત 10 થી 15 ટકા જ જરૂરી બિઝનેસ સ્કિલથી સજ્જ છે. બાકીના એમબીએ ગ્રેજ્યુએટ સેલ્સ જોબ્સ, કસ્ટમર સપોર્ટ રોલ્સ અથવા ઇન્ટર્નશિપ દ્વારા એવી નોકરીમાં પહોંચી જાય છે જ્યાં કોલ સેન્ટરથી પણ ઓછો પગાર મળે છે.
ઘણા બિઝનેસ સ્કૂલોમાં એમબીએ કોર્સ આઉટડેટેડ છે. ઇન્ડસ્ટ્રી માટે જરૂરી સ્કિલ્સ જેમ કે ડેટા એનાલિટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ફાઇનાન્સિયલ મોડેલિંગ વગેરે શીખવવામાં આવતું નથી. વિદ્યાર્થીઓ ડિગ્રી લઈને નીકળે છે ત્યારે તેમની પાસે કોઈ યોગ્ય સ્કિલ હોતી નથી.
ઘણા બિઝનેસ સ્કૂલ CAT/MAT/XAT માં 30-40 પર્સેન્ટાઇલ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. નબળા વિદ્યાર્થીઓ ડિગ્રી લીધા પછી પણ કુશળ બની શકતા નથી. ઘણી કોલેજો 100 ટકા પ્લેસમેન્ટનો દાવો કરે છે. પરંતુ વાસ્તવિકતામાં 25 થી 30 ટકાને જ સારી નોકરી મળે છે. અને જે પ્લેસમેન્ટ થાય પણ છે, તે રૂ. 25,000-35,000 પગારવાળી હોય છે.
એમબીએ હજુ પણ એક સુરક્ષિત કરિયર ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓ કોલેજની રેન્કિંગ, ફેકલ્ટી અને પ્લેસમેન્ટ રેકોર્ડ યોગ્ય રીતે તપાસ્યા વિના પ્રવેશ લઈ લે છે. 15-20 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લઈને એમબીએની ડિગ્રી લઈ લે છે અને પછીથી પસ્તાય છે.
આ પણ વાંચોઃ વડોદરામાં 22 પીઆઈની બદલી, જુઓ યાદી












