ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હૈદરાબાદમાં વકફ જમીન અતિક્રમણની તપાસ કરતા વકીલને SUVએ કચડી નાખ્યા, હત્યાની આશંકા

Hyderabad lawyer death: જાણિતા વરિષ્ઠ વકીલ ખ્વાજા મોઇઝુદ્દીનનું શનિવારે સવારે મસાબ ટેન્ક સ્થિત તેમના ઘરની બહાર એક ઝડપી SUVની ટક્કરથી મોત થયું હતું. 63 વર્ષીય ખ્વાજાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે તેમનું નિધન થયું હતું.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે વકીલને અતિક્રમણ વિરોધી કેસોને લઈને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રક્ષિતા મૂર્તિએ જણાવ્યું કે શરૂઆતમાં આ ઘટના હિટ-એન્ડ-રન અકસ્માત જેવી લાગી રહી હતી, પરંતુ હવે પોલીસ તેની હત્યાના દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. આ મામલે નામપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

રક્ષિતા મૂર્તિએ કહ્યું, “એવું લાગી રહ્યું છે કે SUVએ ઇરાદાપૂર્વક તેમને ટક્કર મારી અને ત્યારબાદ સ્થળ પરથી ફરાર થઈ ગઈ. વકીલ તેમની રોજિંદી દિનચર્યા મુજબ ઘરેથી નીકળ્યા હતા. તેમણે પોતાની બેગ કારમાં મૂકી અને ડ્રાઇવર સીટ પર બેસવા જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતી SUV એ તેમને ટક્કર મારી. અમને તેમના પરિવાર તરફથી ફરિયાદ મળી છે, જેમાં જણાવાયું છે કે વકફ સંપત્તિઓ પરના અતિક્રમણ સંબંધિત તેમના કાનૂની કેસોને લઈને તેમને ધમકીઓ મળી રહી હતી.”

પોલીસે શાંતિનગર સ્થિત તેમના ઘરની બહાર લાગેલા CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં દેખાય છે કે એક SUV ખ્વાજા મોઇઝુદ્દીનને ટક્કર મારે છે અને તેમને હવામાં ઉછાળી દે છે. તેઓ ઘણા ફૂટ દૂર જઈને પડ્યા હતા અને થોડા સમય સુધી બેભાન હાલતમાં રસ્તા પર પડી રહ્યા, ત્યારબાદ રાહદારીઓએ તેમને જોયા અને તેમના પરિવારને જાણ કરી.

તેમના પુત્ર ફરહાન, જે પોતે પણ વકીલ છે, તેમણે જણાવ્યું કે તેમના પિતાને એવા ઘણા લોકો તરફથી ધમકીઓ મળી રહી હતી, જેમની સામે તેઓ મલકપેટ, મલ્લેપલ્લી અને હૈદરાબાદના બહારના વિસ્તારોમાં વકફ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજા, અતિક્રમણ અને ખાનગી રજિસ્ટ્રેશન સંબંધિત કેસોની વકીલાત કરી રહ્યા હતા.

ફરહાને કહ્યું, “આ ચોક્કસપણે એક સુનિયોજિત હુમલો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની ઓફિસ અને મસ્જિદની બહાર તેમના પર ઓછામાં ઓછા છ વખત હુમલા થયા હતા. અતિક્રમણકારોમાંથી કેટલાકે સંદેશ પણ મોકલ્યા હતા કે તેઓ મારા પિતાને કેસ પાછો ખેંચવા માટે કરોડો રૂપિયા આપવા તૈયાર છે. તેમણે તેમને પૈસા લઈને દુબઈ જવા કહ્યું, જ્યાં તેઓ સુરક્ષિત રહેશે. તેમને ધમકી આપવામાં આવી હતી કે જો મારા પિતા કેસો લડતા રહેશે તો તેમની સુરક્ષાની કોઈ ગેરંટી નહીં રહે. અમે એવા લોકોના નામ પણ આપ્યા છે જેમના પર અમને વકફ મામલાઓમાં સંડોવણીની શંકા છે અને જેમનો આ હત્યાથી સંબંધ હોઈ શકે છે.”

મસાબ ટેન્કમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો કારણ કે વકીલો અને સ્થાનિક રહેવાસીઓએ કથિત હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું. તેલંગાણા હાઈકોર્ટના વકીલોએ આ ઘટનાની કડક નિંદા કરી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી.

એડવોકેટ સી. પ્રભાકરે કહ્યું, “તેઓ વકફ સંપત્તિઓની રક્ષા માટે જમીન હડપનારાઓ અને અતિક્રમણકારીઓ સામે લડી રહ્યા હતા. આ એક પૂર્વનિયોજિત હુમલો હોવાનું લાગી રહ્યું છે. અમે આમાં સંડોવાયેલા લોકો માટે કડકમાં કડક સજાની માંગ કરીએ છીએ.”

આ પણ વાંચો: Video: “પાણી આપો સાહેબ… પાણી આપો… વૃદ્ધો, બાળકો અને યુવાનો તરસે મરી જશે!”

Back to top button