ભૂગર્ભ કોલસાના બ્લોકની કામગીરીને ઝડપી બનાવવા માટે અનેક પ્રોત્સાહનો જાહેર

નવી દિલ્હી, 25 એપ્રિલ, 2025: ભૂગર્ભમાં રહેલા કોલસા બ્લોકની ગતિવિધિઓમાં ઝડપ લાવવા માટે કેન્દ્ર સરકારે આગોતરી ચૂકવણી માફ કરવા જેવા નવા પ્રોત્સાહનોની ઘોષણા કરી છે. ભૂગર્ભમાં રહેલા કોલસાના ઉત્ખનને વેગ આપવા માટે આ પગલું દેશના ટકાઉ કોલસા ઉત્પાદન અભિયાન હેઠળ ઉઠાવવામાં આવ્યુ છે.
“ભારતના કોલસા ક્ષેત્રને પુનર્જીવિત કરવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતા, કોલસા મંત્રાલયે ભૂગર્ભ કોલસાના ખાણકામને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણા પરિવર્તનશીલ નીતિવિષયક પગલાં શરૂ કર્યા છે,” એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. આ સુધારાઓ ઉચ્ચ મૂડી રોકાણ અને લાંબા બાંધકામ સમયગાળાના પડકારો પર ભાર મુકે છે.
“ભૂગર્ભમાં રહેલી કોલસાની ખાણો માટે આવકના હિસ્સાની લઘુત્તમ ટકાવારી 4 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવી છે. આ લક્ષ્યાંકિત ઘટાડો નોંધપાત્ર નાણાકીય રાહત આપશે અને ભૂગર્ભ પ્રોજેક્ટ્સની નાણાકીય સદ્ધરતા વધારશે,” એમ નિવેદનમાં જણાવાયું છે.
ભૂગર્ભ ખાણકામ સાહસો માટે ફરજિયાત આગોતરી ચુકવણીની જરૂરિયાત સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે. આ પગલું નાણાકીય અવરોધોને દૂર કરે છે, એટલુ જ નહી ખાનગી ક્ષેત્રની વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે અને પ્રોજેક્ટના ઝડપી અમલીકરણની સુવિધા આપે છે.
આ પ્રોત્સાહનો ભૂગર્ભ કોલ બ્લોક્સ માટે કામગીરી સુરક્ષા પર હાલના 50 ટકા રિબેટ કરતા વધુ છે. આનાથી સામૂહિક રીતે પ્રવેશ અવરોધ ઓછો થયો છે અને પ્રોજેક્ટના સરળ અમલીકરણને સક્ષમ બનાવ્યું છે.
ભૂગર્ભ કોલસાની ખાણકામ વધુ પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે તે ઓપનકાસ્ટ ખાણકામ કરતાં સપાટી પર નોંધપાત્ર રીતે ઓછી ખલેલ પહોંચાડે છે. અદ્યતન ટેકનોલોજીઓને અપનાવવા માટે સરકારી નીતિ પગલાંની અપેક્ષા સેવાય છે. તેની સાથે લોંગવૉલ સિસ્ટમ્સ, રિમોટ સેન્સિંગ ઇક્વિપમેન્ટ અને AI-આધારિત સુરક્ષા મિકેનિઝમ્સ ઉત્પાદકતા વધારવામાં મદદ કરશે.
આ પણ વાંચોઃ આ ધર્મ અને અધર્મની લડાઈ છે, પહલગામ હુમલા અંગે સંઘ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન












