મુખ્યમંત્રી કાર્યાલયથી લઈ મહત્વના વિભાગોમાં IAS અધિકારીઓની મોટી બદલી

ગાંધીનગર 23 ડિસેમ્બર 2025: ગુગાંધીનગરના સચિવાલયમાં મંગળવારે મોટી હલચલ જોવા મળી હતી. ગુજરાત સરકારે વહીવટી માળખામાં મોટાપાયે સર્જરી કરતા 26 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે. આ ફેરફારોમાં સૌથી વધુ ચર્ચા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને લઈને છે. વન અને પર્યાવરણ વિભાગના સંજીવ કુમારને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી (અગ્ર સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અવંતિકા સિંઘને CMO માંથી મુક્ત કરી GSPC ની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ તરીકે કાર્યરત સંજીવ કુમાર, IAS (1998 બેચ) ની બદલી કરીને તેમને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે તેઓ આગામી આદેશો સુધી સરકારના ગૃહ વિભાગના અગ્ર સચિવનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગ બંનેની જવાબદારી એક સાથે સંભાળવાને કારણે તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની છે.
ડૉ. વિક્રાંત પાંડે, IAS (2005 બેચ) ના પદનામમાં ફેરફાર કરીને “મુખ્યમંત્રીના સચિવ”ના બદલે “મુખ્યમંત્રીના અગ્ર સચિવ” કરવામાં આવ્યું છે. તેમને માહિતી અને પ્રસારણ વિભાગના સચિવનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં પરત ફર્યા બાદ અજય કુમાર, IAS (2006 બેચ) ને મુખ્યમંત્રીના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમને ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે.
કૃષિ અને સહકાર વિભાગમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રમેશ ચંદ મીણા, IAS (1997 બેચ) ને બદલી કરીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. આ વિભાગમાં અરુણકુમાર એમ. સોલંકી, IAS (1990 બેચ) ને અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.
મહેસૂલ અને નાણાં વિભાગમાં પણ જવાબદારી બદલાઈ છે. રાજેશ માંઝુ, IAS (2004 બેચ) ને સ્ટેમ્પ્સ અને નોંધણી મહાનિરીક્ષકનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે આરતી કંવર, IAS (2001 બેચ) ને નાણાં વિભાગ (આર્થિક બાબતો) ના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આરોગ્ય, શ્રમ અને સામાજિક ન્યાય વિભાગમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સંધ્યા ભુલ્લર, IAS (2003 બેચ) ને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે હર્ષદકુમાર પટેલ, IAS (2005 બેચ) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે લોચન સેહરા, IAS (2002 બેચ) ની નિમણૂક કરવામાં આવી છે.
ઉદ્યોગ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગમાં ફેરફાર કરતા રાજેન્દ્ર કુમાર, IAS (2004 બેચ) ને પરિવહન કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કુલદીપ આર્ય, IAS (2009 બેચ) ને ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ ધોલેરા SIR તથા મંડલ-બેચરાજી SIRના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે.
આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જ વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ બાબુલાલ ગુપ્તા, IAS (2004 બેચ) ની બદલી કરવામાં આવી છે અને તેઓ આગામી આદેશો સુધી ક્લાયમેટ ચેન્જ વિભાગના સચિવ પદનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. જ્યારે સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ શાહિદ, IAS (1998 બેચ) ને બદલી કરીને આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.





આ પણ વાંચો: ‘રાત્રે મારા ઘરે મુકી જા, હું તમારા બધા દેવા માફ કરી દઈશ’: શાહુકારે લોનના બદલામાં પત્નીની માંગણી કરી












