ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, ડબલ ડેકર બસ કન્ટેનર સાથે અથડાતા 18ના મૃત્યુ

Text To Speech
  • મૃતકોમાં 14 મહિલાઓ, 3 પુરૂષો અને એક બાળકનો સમાવેશ: જ્યારે 20 જેટલા લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશ, 10 જુલાઇ: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક મોટો દુર્ઘટના સર્જાઇ છે. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ ડેકર બસ અને દૂધના કન્ટેનર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 19 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃતકોમાં 14 મહિલાઓ, 3 પુરૂષો અને એક બાળકનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, આ બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માત સવારે 5.15 કલાકે થયો હતો

આ ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર સવારે લગભગ 5:15 વાગ્યે એક દૂધના ટેન્કર સાથે અથડાતા 18 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તમામ ઘાયલોને બહાર કાઢીને સીએચસી બાંગરમાઉમાં સારવાર માટે દાખલ કર્યા. બેહટા મુજાવર પોલીસે જણાવ્યું કે મૃતદેહોનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

બસ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી હતી: DM

ઘટના અંગે માહિતી આપતા ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, “આજે સવારે લગભગ 05.15 વાગ્યે બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મૃત્યુ થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે, બસની સ્પીડ ઘણી વધારે હતી અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.”

મુખ્યમંત્રીએ રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા સૂચના આપી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે અને મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપથી હાથ ધરવા સૂચના આપી છે.

આ પણ જુઓ: NDA vs INDIA: 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન શરૂ

Back to top button