મહારાષ્ટ્રના બીડમાં માર્ગ અકસ્માતે પરિવારના 5 સભ્યોનો ભોગ લીધો
Maharashtra : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માજલગાંવ તાલુકાના ખામગાંવ-પંઢરપુર નેશનલ હાઈવે પર શિંદેવાડી ફાટા પાસે કાર અને એસટી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, માજલગાંવ શહેરનો એક પરિવાર તુલજાપુર દર્શન માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન શિંદેવાડી ફાટા પાસે અવિનાશ દાદા બન્સોડેના પેટ્રોલ પંપ સામે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ આપેલી પ્રાથમિક માહિતી મુજબ, ગજાનન નામદાસ સહિત પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રસ્તો રોક્યો
અકસ્મતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. અકસ્માત બાદ સ્થાનિક લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને માર્ગ રોકીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘટનાને લગતી અન્ય વિગતો અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: “મારા નિર્ણયનો અર્થ લોકો નથી જાણતા”, રશિયાને રાહત આપ્યા બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
હલકી ગુણવત્તાના રસ્તાના બાંધકામનો સ્થાનિકોનો આરોપ
સ્થાનિક લોકોએ ખામગાંવ-પંઢરપુર નેશનલ હાઈવે પર માજલગાંવ-તેલગાંવ-ધારુર માર્ગના બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે રસ્તાનું બાંધકામ હલકી ગુણવત્તાનું હોવાથી અગાઉ પણ અહીં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાના કેટલાક ભાગો ઊબડખાબડ છે અને અનેક જગ્યાએ તિરાડો પણ પડી ગઈ છે. આ મુદ્દે લોકોએ રસ્તાનું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધવાની માંગ કરી છે.
પોલીસ અકસ્માતનાં કારણોની તપાસમાં લાગી
પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માત સવારે આશરે 11 વાગ્યે શિંદેવાડી ફાટા નજીક થયો હતો. કારમાં સવાર માજલગાંવ શહેરના ગજાનન નામદાસ સહિત પાંચ લોકોનાં મોત થયાં હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. હાલમાં પોલીસ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે. મૃતકોની ઓળખ, અકસ્માતની સંપૂર્ણ વિગતો અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવનારા આગળનાં પગલાં અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.












