ચેતન સાથે પ્રેમ અને કેતન સાથે સગાઈ, સિયાએ કેવી રીતે કરી મંગેતરની હત્યા, CCTVથી ખુલ્યો કાવતરાનો ભેદ

Lohagarh Fort case: પુણેના ઐતિહાસિક લોહાગઢ કિલ્લામાં ટ્રેકિંગ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટના, જેને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહી હતી, તે બાદમાં હત્યાની તપાસમાં ફેરવાઈ ગઈ. ખરેખરમાં બન્યું એમ કે તપાસ દરમિયાન પોલીસનું ધ્યાન CCTV ફૂટેજ પર ગયું. ફુટેજમાં જોવા મળ્યું કે એક વ્યક્તિ હૂડી પહેરીને ઝડપથી ચાલી રહ્યો હતો. તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાતો નહોતો.
કિલ્લાના ટિકિટ કાઉન્ટર પાસે લાગેલા CCTV કેમેરામાં કેદ થયેલા આ વ્યક્તિની ઓળખ બાદમાં ચેતન ચૌધરી તરીકે થઈ, જે બીજુ કોઈ નઈ સિયાનો પ્રેમી હતો. વધુ તપાસમાં ખુલાસો થયો કે સિયા અને ચેતન ચૌધરીએ મળીને જ કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જે ઘટનાને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહી હતી, તે હકીકતમાં પૂર્વનિયોજિત હત્યા હતી.
CCTVએ કેવી રીતે ખોલી હત્યાની પોલ?
CCTV ફૂટેજમાં ચેતન 18 જૂને પુણેના 26 વર્ષીય બિઝનેસમેન કેતન અગ્રવાલ અને તેની 20 વર્ષની મંગેતર સિયા ગોયલનો પીછો કરતો જોવા મળ્યો. આ ઘટનાના થોડા જ કલાકો બાદ કેતનનું મોત થયું. CCTVમાં કેદ થયેલા આ વ્યક્તિની શંકાસ્પદ હરકતો, ચહેરો છુપાવવાનો પ્રયાસ અને ગરમી હોવા છતાં પહેરેલા અસામાન્ય કપડાં જોઈને પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે કેતનના મોતની ફરીથી તપાસ શરૂ કરી.
જ્યારે પોલીસે કેતનના મોતની તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે ઘટનાના દિવસે ચેતન પોતાનો મોબાઇલ ફોન પોતાની દુકાનમાં જ મૂકીને ગયો હતો. એટલું જ નહીં, તેણે ફોનનું ઇન્ટરનેટ પણ બંધ રાખ્યું હતું, જેથી તેનુ લોકેશન ટ્રેસ ન થઈ શકે. આ બાબતથી પોલીસની શંકા વધુ ગાઢ બની હતી.
તપાસ દરમિયાન મળેલા આવા અનેક પુરાવાઓના આધારે પોલીસ આખા કાવતરાના ઉંડે સુધી પહોંચી. અંતે ખુલાસો થયો કે સિયા અને ચેતને મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના કારણે કેતન અને સિયાના લગ્નજીવનની શરૂઆત થાય તે પહેલાં જ તેનો કરુણ અંત આવ્યો.
સિયા અને ચેતને કેતનને આપી મોતની સજા
આરોપ છે કે સિયા અને તેના પ્રેમી ચેતને મળીને કેતનને ખીણમાં ધકેલી દીધો હતો. હાલ સિયા અને ચેતન બંને પોલીસ કસ્ટડીમાં છે અને તેમણે પોતાનો ગુનો કબૂલ પણ કર્યો છે.
તપાસ દરમિયાન પોલીસને કેટલીક એવી વિગતો મળી હતી, જેના કારણે અકસ્માતની જગ્યાએ હત્યાની શંકા વધુ મજબૂત બની હતી. CCTV ફૂટેજમાં કેતન અને સિયા સાથે જોવા મળ્યા હતા. ફૂટેજને ઝીણવટથી તપાસતાં પોલીસને તેમની પાછળ એક અન્ય વ્યક્તિ પણ ચાલતો જોવા મળ્યો હતો. આ જ વ્યક્તિ બાદમાં ચેતન ચૌધરી હોવાનું સામે આવ્યું, જેના કારણે સમગ્ર કેસની દિશા બદલાઈ ગઈ અને હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો.
જૂનની ગરમી અને ચેતનની હૂડીએ વધારી શંકા
CCTV ફૂટેજમાં દેખાતો વ્યક્તિ શોર્ટ્સ અને હૂડી પહેરેલો હતો. તેણે હૂડીનો આગળનો ભાગ એટલો નીચે ખેંચી રાખ્યો હતો કે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. એટલું જ નહીં, તેણે હૂડી ઉપર હેડસેટ પણ પહેર્યું હતું.
પોલીસે ઘટનાના સમયની હવામાન સ્થિતિની તપાસ કરતાં જાણવા મળ્યું કે 18 જૂને ત્યાંનું તાપમાન આશરે 33 ડિગ્રી હતું. આવી ગરમીમાં કોઈ વ્યક્તિ હૂડી પહેરીને અને ચહેરો ઢાંકીને કેમ ફરતો હતો, તે પ્રશ્ને પોલીસની શંકા વધુ ગાઢ બનાવી. શરૂઆતમાં અકસ્માત માનવામાં આવેલી આ ઘટનામાં, અસામાન્ય વેશભૂષા અને ચહેરો છુપાવવાનો પ્રયાસ જ હત્યાના ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ કડી સાબિત થયો હતો.
ચેતન અને સિયાના કોલ ડિટેલ્સમાં શું મળ્યું?
સિયાના કોલ રેકોર્ડની તપાસમાં જાણવા મળ્યું કે તેની અને ચેતન વચ્ચે વારંવાર વાતચીત થતી હતી. બંને વચ્ચે હજારો કોલ થયા હતા અને અનેક વખત કલાકો સુધી લાંબી વાતો પણ થઈ હતી. ટેક્નિકલ તપાસમાં તેમના નજીકના સંબંધો અને એક પૂર્વનિયોજિત કાવતરાના સંકેતો મળ્યા હતા.
આગળ પોલીસે બંનેની તસવીરો અને સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ કરતાં શંકા મજબૂત બની હતી કે સિયા ચેતનને પ્રેમ કરતી હતી અને કેતન સાથે લગ્ન કરવા ઇચ્છતી નહોતી. તપાસ આગળ વધતાં આ જ સંબંધ સમગ્ર હત્યાકાંડનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું.
પૂછપરછમાં ચેતને શું ખુલાસો કર્યો?
ચેતનને પૂછવામાં આવ્યું કે તેણે અને સિયાએ ભાગીને જીવન શરૂ કરવાના બદલે કેતનને રસ્તામાંથી હટાવવાનો રસ્તો કેમ પસંદ કર્યો. ચેતને કહ્યું કે સિયા કેતન સાથે સગાઈ તોડીને તેની સાથે ભાગી જવા માટે તૈયાર નહોતી. સિયાને લાગતું હતું કે જો તે સગાઈ તોડશે કે પ્રેમી સાથે ભાગી જશે તો તેના પરિવારની બદનામી થશે. આ કારણે બંનેએ સંબંધનો રસ્તો સરળ બનાવવા માટે કેતનને દૂર કરવાનું કાવતરું રચ્યું.
જાણો આ સમગ્ર ઘટનાની ખાસ વાતો
- 18 જૂને સિયાનું ગ્રુપ લોહાગઢ કિલ્લા પર પહોંચ્યું. ચેતન તેમના ગ્રુપનો ભાગ નહોતો. તેણે પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને દુકાન પર જ મૂકી દીધો હતો.
- પોલીસે ઘટનાના દિવસે ચેતનના નંબર પર ફોન કરનાર તમામ લોકોની પૂછપરછ કરી. કોલ કરનાર લોકોએ જણાવ્યું કે ચેતને પોતે આ કોલ્સનો જવાબ આપ્યો નહોતો, પરંતુ તેની દુકાનના કર્મચારીઓએ ફોન ઉપાડ્યો હતો.
- જ્યારે સિયાનું ગ્રુપ કિલ્લામાં એવી જગ્યાએ પહોંચ્યું જ્યાં ખીણ ખૂબ જ ઊંડી હતી, ત્યારે ચેતન પાછળથી તેમની સાથે આવ્યો. ત્યારબાદ કેતન લગભગ 400 ફૂટ નીચે ખીણમાં પડી ગયો અને તેનું મોત થયું.
- સિયાએ પોતે લોનાવાલા ગ્રામ્ય પોલીસને ફોન કરીને કહ્યું કે ખીણ નજીક ફોટા પાડતી વખતે તેનો મંગેતર લપસી ગયો. તેણે ભારે પવનનો પણ ઉલ્લેખ કર્યો અને ઘટનાને અકસ્માત ગણાવી હતી. તેના નિવેદનના આધારે પોલીસે શરૂઆતમાં આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો.
- 19 જૂને બચાવ ટીમોએ મુશ્કેલ અને ઊબડખાબડ વિસ્તારમાં લાંબા અને કઠિન ઓપરેશન બાદ કેતનનો મૃતદેહ બહાર કાઢ્યો. બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
- પોલીસના જણાવ્યા અનુસાર, કેતન અને સિયાની સગાઈ ફેબ્રુઆરીમાં થઈ હતી અને નવેમ્બરમાં ઉદયપુરમાં તેમની ભવ્ય લગ્નવિધિ યોજાવાની હતી. આ માટે એક મહેલ પણ બુક કરવામાં આવ્યો હતો.
- કેતનના પરિવારજનોએ જણાવ્યું કે સિયાએ અગાઉ લગ્નને લઈને શંકા વ્યક્ત કરી હતી અને એક વખત પૂછ્યું હતું કે શું લગ્નને એક વર્ષ માટે ટાળી શકાય છે.
- કેતનની બહેન સંજના અને અન્ય સગાઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે સિયાએ કેતનને વારંવાર લોહાગઢ કિલ્લા પર ફરવા જવાની વાત કરી હતી.
- સિયા 31 મેના દિવસે કેતનને લોહાગઢ લઈ ગઈ હતી અને 4 જૂને ફરીથી જવાનું ઈચ્છતી હતી, પરંતુ તેની માતાએ તેને રોકી.
- 14 જૂને સિયાએ કેતનને પહાડ પરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એક ઝાડી પકડીને બચી ગયો. જ્યારે કેતને પૂછ્યું કે શું થયું, ત્યારે તેણે સાપ હોવાનું કહ્યું અને ઘટનાને એવી રીતે રજૂ કરી કે જાણે તેણે જ તેને બચાવ્યો હોય.
- ત્યારબાદ, અંતિમ યોજના 18 જૂને અમલમાં મૂકવામાં આવી અને સિયાએ કેતનને મોતને ઘાટ ઉતારી દીધો.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેને છોડી શિંદે જૂથમાં જનારા સાંસદોની પોલ ખુલી, 100 કરોડનું ફંડ છતાં ચોથા ભાગનું કામ પણ ન કર્યું












