International Day of Happiness દિવસની શરૂઆત ક્યારે થઈ?, જાણો ક્યો દેશ સૌથી વધુ ખુશ
International Day of Happiness: દર વર્ષે 20 માર્ચે વિશ્વભરમાં International Day of Happiness દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવ જીવનમાં ખુશી, માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી સુખાકારીને મહત્ત્વ આપવાનો વૈશ્વિક સંદેશ આપે છે. આજના ઝડપી અને તણાવપૂર્ણ જીવનમાં, આ દિવસ આપણને એક ક્ષણ માટે વિચારવા પ્રેરિત કરે છે કે સાચી ખુશી શું છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.
આ દિવસની શરૂઆત પાછળનું મુખ્ય નેતૃત્વ સયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા લેવામાં આવ્યું હતું. વર્ષ 2011માં UNના સલાહકાર જેમી ઇલિયન (Jayme Illien)એ વિશ્વભરમાં ખુશીને પ્રોત્સાહિત કરવા માટે એક ખાસ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ વિચારને વ્યાપક સમર્થન મળ્યું અને 2012માં યુએન જનરલ એસેમ્બલીએ સત્તાવાર રીતે 20 માર્ચને ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2013માં પહેલીવાર આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવ્યો હતો.
આ દિવસનું મહત્ત્વ માત્ર પ્રતીકાત્મક નથી. યુએન દ્વારા દર વર્ષે World Happiness Report પણ જાહેર કરવામાં આવે છે, જેમાં વિશ્વના દેશોમાં લોકો કેટલા ખુશ છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં માત્ર આર્થિક વિકાસ નહીં, પરંતુ જીવનની ગુણવત્તા, સામાજિક સહકાર, સ્વતંત્રતા, આરોગ્ય, ભ્રષ્ટાચારનો અભાવ અને વ્યક્તિગત સંતોષ જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

આ રિપોર્ટનું એક મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે તે દુનિયાને યાદ અપાવે છે કે માત્ર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)થી કોઈ દેશની પ્રગતિને માપી શકાય નહીં. આર્થિક વૃદ્ધિ મહત્વપૂર્ણ છે, પરંતુ તે સાથે લોકોનું સુખ, માનસિક શાંતિ અને જીવન પ્રત્યેનો સંતોષ પણ એટલો જ જરૂરી છે. આ વિચારને પ્રોત્સાહિત કરવામાં ભૂતાન (Bhutan)નું વિશેષ યોગદાન રહ્યું છે.
ભૂતાન વિશ્વનું એકમાત્ર એવું દેશ છે જ્યાં વિકાસને માપવા માટે ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH)નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સરકાર આર્થિક વિકાસ કરતાં લોકોની ખુશીને વધુ મહત્ત્વ આપે છે. શિક્ષણ, પર્યાવરણનું સંરક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સારું શાસન, આ ચાર મુખ્ય સ્તંભો પર આધારિત GNH મોડલ વિશ્વ માટે એક પ્રેરણા બની રહ્યું છે. આ જ કારણ છે કે ભૂતાન સતત વિશ્વના સૌથી ખુશ દેશોમાં સ્થાન મેળવે છે અને એશિયામાં સૌથી ખુશ દેશ તરીકે ઓળખાય છે.
વિશ્વ ખુશી રિપોર્ટમાં ઉત્તર યુરોપના દેશો, જેમ કે ફિનલેન્ડ, ડેનમાર્ક અને આઈલેન્ડ સતત ટોચના સ્થાને રહે છે. આ દેશોમાં મજબૂત સામાજિક સુરક્ષા, ઉત્તમ આરોગ્ય સેવાઓ, શિક્ષણ, કામ-જીવન સંતુલન અને પારદર્શક શાસન જેવા પરિબળો લોકોને વધુ ખુશ બનાવે છે. આ દેશો વિશ્વ માટે એક મોડલ તરીકે ઉભા થયા છે કે કેવી રીતે નીતિઓ દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકાય.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વભરની સરકારો અને નીતિનિર્માતાઓ તેમની વ્યૂહરચનામાં લોકોની ખુશીને પ્રાથમિકતા આપે. આજે પણ ઘણા દેશોમાં વિકાસનો અર્થ માત્ર ઔદ્યોગિક વૃદ્ધિ અને આર્થિક પ્રગતિ તરીકે જોવામાં આવે છે, પરંતુ UNનો સંદેશ સ્પષ્ટ છે કે, “લોકો ખુશ હશે તો જ સાચી પ્રગતિ શક્ય છે.” માનસિક સ્વાસ્થ્ય આજે વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. તણાવ, ડિપ્રેશન અને એકલતા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દિવસ આપણને યાદ અપાવે છે કે ખુશી કોઈ વૈભવી વસ્તુ નથી, પરંતુ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો સાથે વાતચીત કરવી, પ્રકૃતિમાં સમય પસાર કરવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, આ બધું ખુશી મેળવવાના સરળ રસ્તાઓ છે.
ખુશીનો અર્થ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. કોઈ માટે તે સફળતા છે, કોઈ માટે શાંતિ, તો કોઈ માટે સંબંધો. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, ખુશી અંદરથી આવે છે અને તે માત્ર બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત નથી. આ દિવસ આપણને શીખવે છે કે જીવનમાં નાના પળોને માણવું અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી કેટલી મહત્વપૂર્ણ છે. અંતમાં, આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ માત્ર એક દિવસ માટે નહીં, પરંતુ આખા વર્ષ માટે એક મેસેજ આપે છે કે, જીવનમાં ખુશી અને સંતોષને મહત્ત્વ આપો. વ્યક્તિગત સ્તરે આપણે પોતાને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ અને સામાજિક સ્તરે એકબીજાને સહકાર આપીએ તો વિશ્વ વધુ શાંત, સ્વસ્થ અને સુખી બની શકે છે.
આ પણ વાંચો












