કચ્છમાં ફરી એક વખત ધરા ધ્રુજી, 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ, 22 જુલાઈ : કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આજે રાત્રે ધોળાવીરા પાસે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 98 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે. આ આંચકાથી સ્થાનિકોમાં એકવાર ફરી ભયનો માહોલ છવાયો હતો.
કચ્છમાં ભૂકંપના કંપન હવે જાણે નિત્યક્રમ બની ગયા છે. વર્ષ ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપ બાદથી કચ્છમાં નાના-મોટા ભૂકંપના આંચકા સામાન્ય બાબત બની ગઈ છે. દર મહિને ૨ થી ૪ની તીવ્રતાના અનેક આંચકાઓ અહીં નોંધાતા હોય છે. પણ આ વારંવાર ભૂકંપના આંચકા આવવાનું મુખ્ય કારણ શું છે?
આ અંગે, વર્ષ ૨૦૧૫માં મિનિસ્ટ્રી ઓફ સાયન્સે કચ્છની પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને ભૂકંપના સંશોધન માટે ખાસ સૂચનાઓ આપી હતી. યુનિવર્સિટી દ્વારા અલગ અલગ ૮ જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ કઈ ફોલ્ટલાઇનથી ક્યારે ભૂકંપ આવશે તે સમજવાનો છે. આ સંશોધનો ભૂકંપની તીવ્રતા અને તેનાથી થઈ શકતી નુકસાનીના અનુમાનને લઈને પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.











