ખડગેએ સંસદમાં નવા સ્પીકરને એવુ તો શું કહ્યું કે બધા હસી પડ્યા?

Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર સોમવાર (1 ડિસેમ્બર, 2025) થી શરૂ થઈ ગયુ છે. સત્રની શરૂઆત સાથે, સોમવારે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હાજર રહ્યા. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ નવા અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું, પણ આ દરમિયાન, સંસદના ઉપલા ગૃહમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કંઈક એવું કહ્યું જેનાથી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પણ હસી પડ્યા.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અધ્યક્ષ, તમારુ નામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના નામ જેવુ છે. આશા છે કે તમે તેમની ભાવનાઓને પણ યાદ રાખશો.” તેમણે કહ્યું, “અધ્યક્ષ, તમે તમારી ખુરશી પરથી તે દિશામાં વધુ ન જુઓ; એ બાજુ ખતરો છે. જો તમે આ બાજુ નઈ જોવો તો પણ ખતરો છે. તેથી, બંને બાજુ સંતુલન જાળવી રાખવું ઠીક રહેશે.”
ખડગેએ ઉપરાષ્ટ્રપતિના બેકગ્રાઉન્ડ પર વાત કરી
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના RSS સાથેના જોડાણ અંગે, ખડગેએ કહ્યું, “તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તેનો ઉલ્લેખ પ્રધાનમંત્રી મોદીએ અહીં કર્યો છે. અમે માનીએ છીએ, પરંતુ તમારે એ પણ ભૂલવું ન જોઈએ કે તમે અહીં કોંગ્રેસમાંથી આવ્યા છો. હું તમારા કાર્યકાળની સફળ શુભેચ્છા પાઠવું છું.”
મોદીના ભાષણ પર ખડગેએ કહ્યું…..
ખડગેએ કહ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્ર શરૂ થતાં પહેલાં એક જોરદાર ભાષણ આપ્યું હતુ. તેમણે તેમના ભાષણ દરમિયાન પરોક્ષ રીતે અમારા પર પણ હુમલો કર્યો હતો, પરંતુ અમે તેમને અહીં યોગ્ય જવાબ આપીશું.”
હકીકતમાં, પીએમ મોદીએ સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર બિહાર ચૂંટણીમાં તેમની હારને માટે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારની હતાશાને દૂર કરવી જોઈએ. “હું ટિપ્સ આપવા તૈયાર છું, પરંતુ તમે રણનીતિ તો બનાવો.”
આ પણ વાંચો: દિલ્હીના IGI એરપોર્ટ પર વીઝા રેકેટ કેવી રીતે પકડાયું; ત્રણ ભારતીય મુસાફરોએ પર્દાફાશ કર્યો












