ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ખાલિસ્તાની આતંકવાદીઓએ આ દેશમાં પોતાનું નકલી દૂતાવાસ પણ બનાવી દીધું!

કેનેડાઃ 5 ઓગસ્ટ, 2025: Fake Embassy Found in Canada: કેનેડામાં ખાલિસ્તાનીઓનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. ખાલિસ્તાનીઓએ કેનેડાના સરેમાં રિપબ્લિક ઑફ ખાલિસ્તાનનું દૂતાવાસ બનાવી દીધું છે. નકલી દૂતાવાસના સમાચાર આવતાની સાથે જ ભારતની તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ભારતીય એજન્સીઓ સરેમાં ખાલિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે. ત્યાંથી આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરના સમર્થનમાં સરેમાં આ દૂતાવાસ સ્થાપિત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત દ્વારા નિજ્જરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

દૂતાવાસ પર નિજ્જરના પોસ્ટર ચોંટાડ્યા

સરેમાં ખોલવામાં આવેલા નકલી દૂતાવાસ પર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સંબંધિત પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. એટલું જ નહીં, કેનેડામાં ખાલિસ્તાની સંગઠન SFJ (શીખ ફોર જસ્ટિસ) એ આગામી દિવસોમાં વધુ એક કથિત શીખ લોકમત (Referendum) યોજવાની જાહેરાત કરી છે.

સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, આનાથી ન ફક્ત માત્ર ભારત વિરોધી વાતાવરણ બની રહ્યું છે, પરંતુ ભારતના સાર્વભૌમત્વને પડકારવા માટે વિદેશી ભૂમિનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

ખાલિસ્તાની આંદોલનનો ગઢ

કેનેડાને ખાલિસ્તાન ચળવળનો ગઢ માનવામાં આવે છે. 1970ના દાયકામાં, ખાલિસ્તાન ચળવળ અંગે કેનેડામાં પહેલીવાર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. અહીં ખાલિસ્તાનીઓએ પહેલીવાર પોતાનું ચલણ બહાર પાડ્યું હતું. હાલમાં, ખાલિસ્તાન ચળવળના ઘણા નેતાઓ કેનેડામાં રહે છે.

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ ખાલિસ્તાનીઓનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, અહીં કેટલાક ખાલિસ્તાની સમર્થકો રહે છે. ટ્રુડોની નીતિને કારણે, કેનેડા અને ભારતે પોતાના રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો હતો. જોકે, ટ્રુડોની સત્તા છીનવાયા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેનેડાના નવા વડાપ્રધાન કાર્ની બંને દેશોના રાજદ્વારી સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, તાજેતરમાં કેનેડા અને ભારતે ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવા માટે એક કરાર માટે પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ પ્રસ્તાવ મુજબ, બંને દેશોની એજન્સીઓ એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરી શકશે. આ નિર્ણયને કારણે, સરહદ પારના ગુના, આતંકવાદ, કટ્ટરપંથી અને સંગઠિત અપરાધ જેવા મુદ્દાઓ પર સંયુક્ત કાર્ય થશે.

આ પણ વાંચોઃ અવિશ્વસનીય! પંચાયતમાં વિજેતા જાહેર થયેલી મહિલાએ દર્શાવી ખેલદિલી, કહ્યું હું નથી જીતી પણ…

આ પણ વાંચોઃ ગુજરાત: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ જાણો કેટલા ટકા જળસ્તર થયુ

Back to top button