ભારત-કેનેડા વચ્ચે CEPA વેપાર કરારનો પાંચમો રાઉન્ડ: 2026 ના અંત સુધીમાં ઐતિહાસિક કરાર પૂર્ણ કરવાનો લક્ષ્ય

India-Canada CEPA Talks 5th Round: ભારત અને કેનેડા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ સોમવારથી કેનેડાની રાજધાની ઓટાવામાં શરૂ થઈ રહ્યો છે. બંને દેશો વર્ષ 2026 ના અંત સુધીમાં આ મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરારને આખરી ઓપ આપવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છે. 5 દિવસ સુધી ચાલનારી આ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો 9 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, જેમાં બંને દેશોના મુખ્ય વાટાઘાટકારો અને આર્થિક નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે ચોથા રાઉન્ડની બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
કેનેડાના વેપાર મંત્રી ભારત આવશે
આ વેપાર વાટાઘાટોને વધુ આક્રમક વેગ આપવા માટે કેનેડાના વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ આ મહિનાના અંતમાં 300 સભ્યોના વિશાળ વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે નવી દિલ્હીની મુલાકાતે આવી રહ્યા છે. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર મહિનાની આસપાસ કેનેડાની સત્તાવાર મુલાકાત લે તેવી પ્રબળ શક્યતા છે. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન જ બંને દેશોના શીર્ષ નેતૃત્વ દ્વારા આ મહત્ત્વપૂર્ણ વેપાર કરાર પર અંતિમ હસ્તાક્ષર કરવામાં આવે તેવી યોજના ઘડાઈ રહી છે.
માર્ચની શિખર બેઠકથી નવો વળાંક
માર્ચ મહિનામાં નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં CEPA વાટાઘાટોને ઝડપી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ વ્યાપક વેપાર માળખા દ્વારા વર્ષ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 70 અબજ કેનેડિયન ડોલર (આશરે ₹4.65 લાખ કરોડ) સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
ઊર્જા, ખનિજ અને IT ક્ષેત્રે ભાગીદારી મજબૂત બનશે
ભારતથી કેનેડામાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, મશીનરી ભાગો, ઈલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઈલ, ઝવેરાત અને એન્જિનિયરિંગ માલની નિકાસ થાય છે. જ્યારે કેનેડા તરફથી ભારતને કઠોળ, ખાતર, ખનિજ ઈંધણ, પલ્પ અને વિમાનના ભાગોની આયાત કરવામાં આવે છે. સેવા ક્ષેત્રમાં ભારતનું IT સેક્ટર કેનેડામાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. બંને દેશો હવે ઊર્જા અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે પણ સહયોગ વધારવા સંમત થયા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ટ્રુડો યુગના તણાવ બાદ સંબંધોમાં સુધારો
અગાઉ કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત વણસી ગયા હતા. કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી અને વિભાજનકારી પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો પ્રત્યે ટ્રુડો સરકારના નરમ વલણને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, વડાપ્રધાન માર્ક કાર્નીના આગમન અને ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચેના કડવાશભર્યા સંબંધો સુધર્યા છે અને આર્થિક ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થયો છે.
આ પણ વાંચો: અમેરિકાની ઘટતી પકડ અને ચીનનો વધતો દબદબો, જયશંકરે કહ્યું ઘણું બધું












