ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ કેટલા ટકા જળસ્તર થયું

  • ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ
  • રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે
  • સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ 22 ઈંચ સાથે 64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અત્યારસુધીના નોંધપાત્ર વરસાદને પગલે ખેતી પણ ખીલી ઊઠી છે. અત્યારસુધી 82 ટકા વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ છે. જેમાં મગફળી, સોયાબીનમાં 100 ટકાથી વધુ વાવણી થઈ ચૂકી છે. આ ઉપરાંત 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 69 ટકા છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં સરેરાશ 78 ટકા જળસ્તર છે.

હાલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા વરસાદ

હાલ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 60 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડાંગમાં 54 ઈંચ, નવસારીમાં 46.71 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાલુકા કે જ્યાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોય તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા-વડાલી, બનાસકાંઠાના વડગામ, પાલનપુર,દાંતિવાડા,દાંતા, ખેડાના નડિયાદ, જામનગરના જોડિયા, બોટાડના ગઢડા, ભાવનગરના સિહોર, ઉમરાળા, વલ્લભીપુરનો સમાવેશ થાય છે.

ચોથી ઓગસ્ટ 2025ની સ્થિતિએ 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈએલર્ટ

ચોથી ઓગસ્ટ 2025ની સ્થિતિએ 51 જળાશય 90 ટકાથી વધુ ભરાતા હાઈએલર્ટ, 23 ડેમ એલર્ટ અને 24 ડેમ વોર્નિંગ હેઠળ છે. હજુ પણ 25 ટકાથી ઓછું જળસ્તર હોય તેવા 34 જ્યારે 25 ટકાથી 50 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા 37 જળાશયો છે. સરદાર સરોવરનું જળસ્તર વધીને 78 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં 20મી ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નથી. આ પછી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાત: 10 વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટન વધ્યું, તો પછી જાણો કેમ ખેડૂતો પીસાયા!

Back to top button