દારુ ગોટાળામાં નિર્દોષ છૂટતા જ કેજરીવાલ રડી પડ્યા, પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવ્યા

શરાબ કૌભાંડમાં નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. શુક્રવારે અદાલતથી બહાર આવતા જ અરવિંદ કેજરીવાલ પત્રકારો સામે પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા તો તેઓ આંસુ રોકી શક્યા નહીં. કેજરીવાલે કહ્યું કે તેઓએ ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી અને હવે અદાલતે પણ આ વાત કહી દીધી છે. અનેક મહિના જેલમાં વિતાવી ચૂકેલા કેજરીવાલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધ્યું.
કેજરીવાલે કહ્યું, ‘પાછલા કેટલાક વર્ષોથી ભાજપ જે રીતે શરાબ કૌભાંડ, શરાબ કૌભાંડ કરી રહી હતી અને અમારા પર આરોપ લગાવી રહી હતી. આજે કોર્ટે તમામ આરોપોને નકારી કાઢ્યા. જેટલા પણ આરોપીઓ હતા તે તમામને નિર્દોષ જાહેર કરી દીધા. અમે હંમેશા કહેતા હતા કે સત્યની જીત થાય છે. અમને ભારતીય ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. હું જજ સાહેબનો આભાર માનું છું જેમણે અમારી સાથે ન્યાય કર્યો. સત્યની જીત થઈ. હું હંમેશા કહેતો હતો કે ભગવાન અમારી સાથે છે.’
શરાબ કૌભાંડના કેસને રાજકીય ષડયંત્ર ગણાવતા કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધ્યું તેઓએ કહ્યું, ‘મોદીજી અને અમિત શાહજીએ મળીને આઝાદ ભારતનું સૌથી મોટું રાજકીય ષડયંત્ર રચ્યું. આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે 5 સૌથી મોટા નેતાઓને જેલમાં મોકલી દીધા. અહીં સુધી કે વર્તમાન મુખ્યમંત્રીને ખેંચીને જેલમાં મોકલી દીધા. અમારા ડેપ્યુટી સીએમને બે વર્ષ જેલમાં રાખ્યા. આખો કેસ બનાવટી હતો. અમારા પર કીચડ ફેંકવામાં આવ્યું. 24 કલાક સમાચાર ચલાવવામાં આવતા હતા કે કેજરીવાલ ભ્રષ્ટ છે, કેજરીવાલ ભ્રષ્ટ છે.’
રડી પડ્યા કેજરીવાલ, સિસોદિયાએ સંભાળ્યા
આ કહેતા જ અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. પાસે ઊભેલા મનીષ સિસોદિયાએ તેમને સંભાળ્યા. કેજરીવાલે કોઈક રીતે પોતાને સંભાળીને પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવ્યા. તેઓએ કહ્યું, ‘કેજરીવાલ ભ્રષ્ટ નથી. મેં માત્ર મારા જીવનમાં ઈમાનદારી કમાઈ છે. તેઓએ ખોટો કેસ લગાવ્યો અને આજે આ સાબિત થઈ ગયું છે. કોર્ટે કહ્યું છે કે કેજરીવાલ, સિસોદિયા અને આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર છે.’
સારા કામ કરીને સત્તામાં આવો, ખોટા કેસ કેમ: કેજરીવાલ
કેજરીવાલે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, ‘હું પ્રધાનમંત્રીજીને કહેવા માંગુ છું કે સત્તા માટે આ રીતે દેશ અને સંવિધાન સાથે ખિલવાડ ન કરો. તમને સત્તા જોઈએ તો સારા કામ કરો. આજે દેશ સામે આટલી મોટી મોટી સમસ્યાઓ છે. મોંઘવારી છે, બેરોજગારી છે. આખા દેશમાં રસ્તાઓ તૂટેલા છે, ચારે તરફ પ્રદૂષણ છે. તે સમસ્યાઓનું સમાધાન કરીને સત્તામાં આવો. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર ખોટા કેસ કેમ કરો છો. સારા કામ કરીને સત્તામાં આવો.’
આ પણ વાંચો : કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું સ્ફોટક નિવેદન, કહ્યું-“હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ…”












