જુનાગઢ: ભવનાથ મેળામાં નાગા સાધુનો આતંક, શ્રદ્દાળુઓ પર હુમલો કર્યો, ખુલ્લી તલવાર લઈ ધમાલ મચાવી

જૂનાગઢ, 13 ફેબ્રુઆરી 2026: જુનાગઢમાં હાલમાં સાધુ-સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભવનાથમાં શિવરાત્રિના મેળાને લઈને લોકોમાં અને સાધુઓમાં ભારે ઉત્સાહ છે. જ્યાં ભક્તિ, ભજન અને ભોજનનો સંગમ પ્રવાહ વહી રહ્યો છે. જ્યારે બીજી તરફ દત્ત ચોક વિસ્તારમાં એક સાધુના હિંસક વર્તનના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ગઈ કાલે રાતના એક નાગા સાધુ અચાનક ઉશ્કેરાઈ જતાં હાથમાં ખુલ્લી તલવાર ધારણ કરી નિર્દોષ લોકો અને શ્રદ્ધાળુઓ પાછળ દોડીને ડરાવ્યા હતા. સાધુનું આ રૌદ્ર રુપ જોઈ પવિત્ર મેળામાં આવેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા.
આ હિંસક બનેલા સાધુએ માત્ર તલવારથી જ ડર નથી ફેલાવ્યો, પરંતુ રસ્તાની બાજુમાં સૂતેલા નિરાધાર અને નિર્દોષ લોકોને પણ બેફામ માર માર્યો હતો. આટલું ઓછું હોય તેમ, સાધુએ પોતાની સાથે રહેલા કપિરાજ (વાંદરા) દ્વારા પણ લોકો પર હુમલો કરાવ્યો હતો.
આ કપિરાજે અનેક શ્રદ્ધાળુઓને બચકા ભરીને અને પંજા મારીને ઈજા પહોંચાડી હતી. દત્ત ચોક જેવા વ્યસ્ત વિસ્તારને સાધુએ જાણે બાનમાં લીધો હોય તેવી સ્થિતિ સર્જાતા મેળાના શાંત અને ધાર્મિક વાતાવરણમાં ડર અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો.
આ પણ વાંચો: VIDEO: ચીનમાં મોટી દુર્ઘટના થઈ, આખેઆખો રોડ જમીનમાં સમાઈ ગયો











