ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનાર આરોપીએ શું કર્યા ચોંકાવનારા આક્ષેપો?

16 જાન્યુઆરી 2026ની રાત્રે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ગડુ ગામમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદર વિધાનસભા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ખેડૂત સન્માન સભાને સંબોધિત કરી રહ્યા હતા. સભા દરમિયાન ઈટાલિયા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા હતા ત્યારે ટોળામાંથી એક યુવક અચાનક ઊભો થયો અને તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, જૂતું તેમને લાગે તે પહેલાં જ AAPના કાર્યકર્તાઓ અને પોલીસે તેને ઝડપી લીધો, જેનાથી સભામાં થોડી અફરાતફરી મચી ગઈ. આરોપીનું નામ શબ્બીર મહંમદ હુસેન પરમાર છે. તેની પાસેથી છરી પણ મળી આવી છે, જેનાથી ઘટના વધુ ગંભીર લાગે છે.
પોલીસ પૂછપરછમાં શબ્બીરે કબૂલ્યું કે ત્રણ વ્યક્તિઓ મીત ભંડુરી (ભંડુરી રામજીભાઈનો પુત્ર), બાબુભાઈ અને રાજુભાઈએ મને દારૂ પીવડાવીને અને 50,000 રૂપિયાની લાલચ આપીને આ કામ માટે મોકલ્યો હતો. તેઓએ કહ્યું હતુ કે અડધા પૈસા અત્યારે મળશે અને બાકીના પછીથી. આરોપીએ એમ પણ જણાવ્યું કે માણાવદરમાંથી એક ખાસ ગાડી તેને લેવા આવી હતી, અને તેમાંથી એક વ્યક્તિ (ડ્રાઈવર)એ પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરીને કહ્યું હતું કે “તારો વાળ પણ વાંકો નહીં થાય”. પોલીસે આરોપીને અટકાયતમાં લીધો છે અને ત્રણેય વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.
ગોપાલ ઈટાલિયાએ આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવીને કહ્યું, “અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું થાય છે? અત્યાર સુધી કમ્પ્લીટ હતો, ફોન આવ્યો હશે.” તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે આવા કૃત્યો રાજકીય ઈશારે થાય છે. AAPના અન્ય નેતાઓએ પણ ભાજપને જવાબદાર ઠેરવ્યો અને તટસ્થ તપાસની માંગ કરી.
આ પહેલાં ડિસેમ્બર 2025માં જામનગરમાં કોંગ્રેસ કાર્યકર છત્રપાલસિંહ જાડેજાએ તેમના પર જૂતું ફેંક્યું હતું, જેને તેણે 2017માં ગોપાલે તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંક્યા બદલ બદલો ગણાવ્યો હતો. આ ઘટનાઓએ ગુજરાતના રાજકારણમાં તણાવ વધાર્યો છે. પોલીસ તપાસના વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: ગુજરાત મીડિયા એવોર્ડ્સ (GMA) 2026 માટે નોમિનેશન શરૂ, જાણો શું છે એન્ટ્રી પ્રક્રિયા












