JP નડ્ડાની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ, એન્જિયોગ્રાફી કરાઈ

National News: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની તબિયત લથડતાં તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાયા બાદ ગુરુવાર, 13 ઓગસ્ટની સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. AIIMSમાં તેમના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
JP નડ્ડાની કરાઈ એન્જિયોગ્રાફી
AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નડ્ડાને બેચેનીની ફરિયાદ બાદ તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કોરોનરી એન્જિયોગ્રાફી સહિતની તપાસ કરવામાં આવી છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. કોરોનરી એન્જિયોગ્રાફી હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ કે અન્ય સમસ્યા છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવતી તપાસ છે. હાલ હોસ્પિટલ તરફથી નડ્ડાને કોઈ ગંભીર સમસ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું નથી.
કાર્ડિયોલોજી વિભાગમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ
નડ્ડાને હાલમાં AIIMSના કાર્ડિયોલોજી વિભાગમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ડોક્ટરો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે તેમની હાલત સ્થિર છે.
નડ્ડાની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે હાલ ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ તેમની સ્થિતિ સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.












