ઈજા બાદ જોશ હેઝલવુડની ટેસ્ટ ક્રિકેટમાં ધમાકેદાર વાપસી: બાંગ્લાદેશ સામે 6 વિકેટ ઝડપી રચ્યો ઇતિહાસ

Josh Hazlewood 300 Test Wickets: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે ઈજામાંથી મુક્ત થઈને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. ડાર્વિનના મરારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં હેઝલવુડે કાંગારૂ ટીમ માટે પ્રથમ ઇનિંગમાં 89 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 300 વિકેટ પૂર્ણ કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે નવમો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે. નોંધનીય છે કે હેઝલવુડ 13 મહિનાના લાંબા સમયગાળા બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ જુલાઈ 2025 માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી.
મેહદી હસન મિરાઝ બન્યો 300મો શિકાર
મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 426 રન પર સમાપ્ત થયો હતો. આ ટેસ્ટ શરૂ થઈ તે પહેલાં હેઝલવુડ 300 વિકેટના સીમાચિહ્નથી 5 વિકેટ દૂર હતો. તેણે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મેહદી હસન મિરાઝને (65 રન) વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ કરાવીને પોતાની 300મી ટેસ્ટ વિકેટ પૂર્ણ કરી હતી. ત્યારબાદ ઇબાદત હુસૈનને આઉટ કરીને તેણે બાંગ્લાદેશની ઇનિંગ્સ સમેટી લીધી હતી. હેઝલવુડની ટેસ્ટ કારકિર્દીમાં આ 14મી વખત એક ઇનિંગમાં 5 વિકેટ અને ચોથી વખત 6 વિકેટ લેવાની ઘટના છે. આ પહેલાં તેણે 2017 માં ભારત સામે બેંગલુરુ ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી.
પ્રતિકૂળ પિચ પર હેઝલવુડનો તરખાટ
ડાર્વિનની પિચ ફાસ્ટ બોલરો માટે ખાસ મદદગાર ન હોવા છતાં, હેઝલવુડે પોતાની સચોટ લાઇન અને લેન્થથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા. શરૂઆતમાં નાથન લિયોને તનઝીદ હસન તમીમનો કેચ છોડતાં તમીમે 101 રન બનાવ્યા હતા. જોકે, હેઝલવુડે મોમિનુલ હકને આઉટ કરીને આ ખતરનાક ભાગીદારી તોડી હતી. ત્યારબાદ નવા બોલથી તેણે કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને 84 રન પર આઉટ કર્યો હતો. આ ઉપરાંત તેણે હસન મહમૂદ (LBW) અને તૈજુલ ઇસ્લામની વિકેટ પણ મેળવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓસ્ટ્રેલિયાની બોલિંગ ચોકડીએ રચ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
હેઝલવુડે 300 વિકેટ પૂર્ણ કરવાની સાથે જ ઓસ્ટ્રેલિયન બોલિંગ યુનિટે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટેસ્ટ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પ્લેઇંગ 11 માં રમી રહેલા ચારેય મુખ્ય બોલરોમાંથી દરેકના નામે 300 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ નોંધાયેલી હોય. હેઝલવુડ (300) સિવાય નાથન લિયોને 568, મિચેલ સ્ટાર્કે 435 અને કેપ્ટન પેટ કમિન્સે 316 ટેસ્ટ વિકેટ લીધી છે.
કેપ્ટનનો વિશ્વાસ સાચો ઠર્યો
મેચ પહેલાં સ્કોટ બોલેન્ડ અને હેઝલવુડ વચ્ચે પસંદગી કરવી અઘરી હતી, પરંતુ કેપ્ટન પેટ કમિન્સ અને ટીમ મેનેજમેન્ટે તેના અનુભવ પર મુકેલો વિશ્વાસ સાચો સાબિત થયો હતો. જોકે, હેઝલવુડના 6 વિકેટના પ્રદર્શન છતાં બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 426 રન બનાવીને ઓસ્ટ્રેલિયા પર 228 રનની મજબૂત લીડ મેળવી લીધી છે, જેથી ઓસ્ટ્રેલિયા સામે હવે મેચમાં વાપસી કરવાનો કઠિન પડકાર છે.
આ પણ વાંચો: ગૉલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને ઝટકો, 77 રને KL રાહુલ રિટાયર્ડ હર્ટ












